<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

મથુરામાં ભક્તિ અને રંગોનો મહાસંગમ: શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં લઠમાર હોળીનો અનોખો ઠાઠ, રાધારાણીના લાડ લડાવવા ઉમટ્યું માનવ મહેરામણ!

નંદગામના હુરિયારાઓ પર વરસી બરસાનાની હુરિયારીઓની લાઠીઓ: અબીલ-ગુલાલની છોળો વચ્ચે 'રાધે-રાધે'ના નાદથી ગુંજી ઉઠ્યું વ્રજધામ, પરંપરા અને ઉલ્લાસની અદભૂત ઝલક

મથુરા : ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં હોળીનો એવો રંગ જામ્યો કે જેની આભા સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. વ્રજની સુપ્રસિદ્ધ પરંપરા મુજબ શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં 'લઠમાર હોળી'નો રંગીન અને અત્યંત પરંપરાગત ઉત્સવ ધામધૂમથી સંપન્ન થયો હતો. આ મનોહર દ્રશ્યના સાક્ષી બનવા માટે દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે આખું પરિસર ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

આ ઉત્સવની ખાસિયત નંદગામના હુરિયારાઓ (પુરુષો) અને બરસાનાની હુરિયારીઓ (મહિલાઓ) વચ્ચેનો પ્રેમભર્યો જંગ છે. પરંપરા મુજબ, જ્યારે નંદગામના પુરુષો હોળી રમવા પહોંચ્યા, ત્યારે બરસાનાની મહિલાઓએ લાઠીઓ વડે તેમનું 'સ્વાગત' કર્યું હતું. પુરુષોએ ઢાલ વડે પોતાનો બચાવ કર્યો હતો, જે દ્રશ્ય જોઈને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ માત્ર એક રમત નથી, પરંતુ દ્વાપર યુગથી ચાલતી કૃષ્ણ અને રાધાના અનોખા પ્રેમનું પ્રતીક છે.
સમગ્ર જન્મભૂમિ પરિસરમાં હવામાં ઉડતા અબીલ-ગુલાલને કારણે આકાશ પણ રંગીન બની ગયું હતું. શ્રદ્ધાળુઓના 'રાધે-રાધે' અને 'નંદ કે આનંદ ભયો'ના ગગનભેદી ઉદઘોષોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વ્રજની આ હોળી તેની જીવંતતા અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતી છે, જેમાં ભક્તિ અને આનંદનો અદભૂત સમન્વય જોવા મળે છે. સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ઉત્સવ ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક પૂર્ણ થયો હતો

(12:46 AM IST)