હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન-ઈઝરાયેલ મહાયુદ્ધમાં ચીનની એન્ટ્રી: ડ્રેગને ઈરાનને આપ્યું 'કેરિયર-કિલર' મિસાઈલોનું કવચ, અમેરિકાને હરાવવા શી જિનપિંગે ખેલ્યો મોટો જુગાર!
"ઈરાનના સાર્વભૌમત્વ પર હુમલો સાંખી લેવામાં નહીં આવે": ચીનનું ખુલ્લું સમર્થન, પ્રતિબંધિત તેલ અને સુપરસોનિક CM-302 મિસાઈલ સોદાએ વોશિંગ્ટનની ઊંઘ હરામ કરી

બેઇજિંગ: મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે હવે 'ડ્રેગન'ની એન્ટ્રી થતા વૈશ્વિક રાજકારણ ગરમાયું છે. ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાના લશ્કરી હુમલાઓ બાદ ચીને મૌન તોડતા ઈરાનનો પક્ષ લીધો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈરાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન થવું જોઈએ. ચીને આ લશ્કરી કાર્યવાહીને તાત્કાલિક રોકવાની માંગણી કરી છે, જે સીધો અમેરિકાને પડકાર માનવામાં આવે છે.
આ નિવેદન પાછળ માત્ર રાજદ્વારી સંબંધો જ નહીં, પરંતુ એક મોટો લશ્કરી સોદો પણ જવાબદાર છે. અહેવાલો અનુસાર, ચીને ઈરાનને અત્યંત ઘાતક એવી CM-302 સુપરસોનિક એન્ટી-શિપ ક્રુઝ મિસાઈલ પૂરી પાડી છે. 'મેક-૩'ની પ્રચંડ ગતિ ધરાવતી આ મિસાઈલ રડારને થાપ આપીને સમુદ્રી જહાજોના કટકા કરવા માટે સક્ષમ છે. ૨૯૦ કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલ પર્સિયન ગલ્ફમાં અમેરિકી નૌકાદળ માટે 'કેરિયર-કિલર' સાબિત થઈ શકે તેમ છે. પેન્ટાગોનના પૂર્વ અધિકારીઓના મતે, ચીને જાણીજોઈને આ યુદ્ધના સમયે ઈરાનને સજ્જ કર્યું છે જેથી અમેરિકાના પ્રભુત્વને તોડી શકાય.
ચીન અને ઈરાન વચ્ચેનો આ સંબંધ માત્ર હથિયારો પૂરતો મર્યાદિત નથી. જ્યારે દુનિયાએ ઈરાન પર પ્રતિબંધો લાદ્યા છે, ત્યારે ચીન તેની 'ચાની કીટલી' (Teapot) રિફાઈનરીઓ દ્વારા ડિસ્કાઉન્ટમાં ઈરાની તેલ ખરીદીને બેઈજિંગની તિજોરી ભરી રહ્યું છે. પૂર્વ યુએસ અધિકારી માઈકલ રુબિનના જણાવ્યા અનુસાર, ચીન આ સંઘર્ષના કેન્દ્રમાં છે અને તેનું મુખ્ય લક્ષ્ય અમેરિકાને પછાડવાનું છે.
બીજી તરફ, સાઉદી અરેબિયાએ પણ ચીન પર દબાણ વધાર્યું છે કે તેઓ ઈરાન પાસેથી તેલ લેવાનું બંધ કરે. જોકે, વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે શી જિનપિંગે પોતાની બાજી ગોઠવી દીધી છે. ઈરાનને અત્યાધુનિક મિસાઈલો આપીને ચીને આડકતરી રીતે ઈઝરાયેલ અને અમેરિકા સામે મોરચો ખોલી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે શું ચીન ખુલ્લેઆમ મેદાનમાં આવશે કે પછી 'પડદા પાછળના ખેલાડી' તરીકે જ ઈરાનને હથિયાર પૂરા પાડતું રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
