હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

દુબઈ: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું મહાયુદ્ધ હવે વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા શહેર દુબઈના આંગણે પહોંચી ગયું છે. ઈરાને કરેલા ભીષણ મિસાઈલ હુમલામાં દુબઈનો સૌથી વૈભવી અને ભારતીય સેલિબ્રિટીઓના ગઢ ગણાતા પામ જુમેરાહ વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો છે. 'ધ સન' ના અહેવાલ મુજબ, પામ જુમેરાહ પર આવેલી એક હોટલ પર ઈરાની મિસાઈલ પડતા જોરદાર વિસ્ફોટ થયો હતો અને ચારેબાજુ કાળો ધુમાડો છવાઈ ગયો હતો. આ એ જ વિસ્તાર છે જ્યાં બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનનો વિલા 'જન્નત', સલમાન ખાનનું ઘર અને મુકેશ અંબાણીની કરોડોની હવેલી આવેલી છે.
આ કૃત્રિમ ટાપુ પર થયેલા હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. માત્ર પામ જુમેરાહ જ નહીં, પરંતુ સાવચેતીના ભાગરૂપે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા ને પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. મુકેશ અંબાણીએ તાજેતરમાં જ અનંત અંબાણી માટે અહીં અંદાજે $૧૬૩ મિલિયનની હવેલી ખરીદી હતી, જ્યારે સાનિયા મિર્ઝા અને અન્ય રમતગમતના સિતારાઓ પણ અહીં સ્થાયી થયેલા છે. મિસાઈલના કાટમાળ અને વિસ્ફોટોને કારણે આ વૈભવી મિલકતોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.
યુએઈ (UAE) ની આકરી ચેતવણી અને એરસ્પેસ બંધ: દુબઈ અને અબુ ધાબીમાં સંભળાયેલા પ્રચંડ ધડાકાઓએ પ્રદેશમાં તણાવને પરાકાષ્ઠાએ પહોંચાડી દીધો છે. યુએઈ સરકારે આ હુમલાને 'કાયરતાપૂર્ણ કૃત્ય' ગણાવીને ઈરાનની આકરી નિંદા કરી છે. રાષ્ટ્રીય સાર્વભૌમત્વના ભંગ બદલ યુએઈએ વળતો જવાબ આપવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો છે. હાલમાં સુરક્ષા કારણોસર યુએઈએ પોતાની હવાઈ સીમાઓ બંધ કરી દીધી છે અને સેનાને હાઈ એલર્ટ પર રાખી છે.
પરિસ્થિતિ અત્યંત સ્ફોટક છે કારણ કે ઈરાને 'ઓપરેશન ફતહ-એ-જંગ' હેઠળ અમેરિકા અને ઈઝરાયેલના સાથી દેશોને સીધી નિશાન બનાવ્યા છે. જે રીતે દુબઈના પ્રીમિયમ વિસ્તારોમાં બોમ્બમારો થયો છે, તે જોતા અહીં રોકાણ કરનારા ભારતીય અબજોપતિઓ અને સેલિબ્રિટીઝમાં પણ ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. પ્રવાસીઓ અને સ્થાનિકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને સ્થાનિક સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવા જણાવાયું છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM