News of Saturday, 28th February 2026
મમતા બેનર્જીના ગઢ ભવાનીપુરમાં ચૂંટણી પંચની 'સર્જિકલ સ્ટ્રાઈક': એકસાથે ૪૭,૦૦૦ મતદારોના નામ યાદીમાંથી ગાયબ!
બંગાળમાં મતના સમીકરણો બદલાશે: આખા રાજ્યમાં ૬૫ લાખ નામો ડિલીટ કરાયા, હજુ ૬૦ લાખની ચકાસણી બાકી; સીએમ મમતાના મતવિસ્તારમાં સૌથી મોટો આંકડો

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં આગામી ચૂંટણીઓ પહેલા જ ખળભળાટ મચી ગયો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી અંતિમ મતદાર યાદીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના પોતાના મતવિસ્તાર ભવાનીપુરમાં મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પંચના આંકડા મુજબ, ભવાનીપુર બેઠક પરથી અત્યાર સુધીમાં ૪૭,૦૯૪ જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે હજારો નામો હજુ પણ ચકાસણી હેઠળ 'પેન્ડિંગ' રાખવામાં આવ્યા છે.
ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં શરૂઆતમાં ૨,૦૬,૨૯૫ મતદારો હતા. ડિસેમ્બરમાં જ્યારે ડ્રાફ્ટ યાદી આવી ત્યારે ૪૪ હજારથી વધુ નામો દૂર થયા હતા અને હવે ફાઈનલ લિસ્ટમાં વધુ ૨,૩૨૪ નામો પર કાતર ફેરવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧ની પેટાચૂંટણીમાં મમતા બેનર્જીએ અહીં ૫૮,૦૦૦ મતોની સરસાઈથી મોટી જીત મેળવી હતી. હવે જ્યારે ૪૭ હજાર જેટલા મતદારોના નામ ઓછા થઈ ગયા છે, ત્યારે આગામી ચૂંટણીમાં જીતનું માર્જિન અને વોટ શેરિંગ પર તેની સીધી અસર પડશે તે નિશ્ચિત છે.
માત્ર ભવાનીપુર જ નહીં, પણ આખા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાં 'સફાઈ' અભિયાન ચલાવ્યું હોય તેમ લાગે છે. શનિવારની અંતિમ એસઆઈઆર (SIR) યાદી મુજબ સમગ્ર રાજ્યમાં કુલ ૬૫ લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આશરે ૬૦ લાખ જેટલા મતદારોના દસ્તાવેજો હજુ પણ તપાસ હેઠળ છે. પંચની વેબસાઈટ પર 'Decision' લખેલા નામોનો અર્થ એ છે કે તેમના પર હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે, જ્યારે 'Deleted' લખેલા નામો કાયમી ધોરણે દૂર કરી દેવાયા છે.
મતદારો પોતાનું સ્ટેટસ eci.gov.in અથવા ECI Net એપ પર જઈને પોતાનો EPIC નંબર નાખીને ચેક કરી શકે છે. વિપક્ષો આને ગેરકાયદેસર મતદારોને દૂર કરવાની પ્રક્રિયા ગણાવી રહ્યા છે, જ્યારે સત્તાધારી પક્ષમાં આટલી મોટી સંખ્યામાં નામો કાઢી નાખવાને લઈને ચિંતા વ્યાપી છે. બંગાળના રાજકારણમાં આ 'વોટિંગ લિસ્ટ કૌભાંડ' છે કે 'શુદ્ધિકરણ', તે અંગે હવે રાજકીય નિવેદનબાજી તેજ બની છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
