<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

કેરળ: સરકારી કર્મચારીઓની લોટરી લાગી: NPS ના ટેન્શનનો અંત, નિવૃત્તિ પછી મળશે 50% ફિક્સ પગાર; કેરળમાં 'ગેરંટીડ પેન્શન સ્કીમ' ને લીલી ઝંડી

૧ એપ્રિલ ૨૦૨૬ થી લાગુ થશે નવો નિયમ: જૂની પેન્શન યોજના જેવો જ ફાયદો, ૩૦ વર્ષની સેવા આપનાર કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળશે મોટો આર્થિક આધાર

તિરુવનંતપુરમ:કેરળ સરકારે રાજ્યના હજારો સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપતા એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વિવાદિત નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ના બદલે હવે 'ગેરંટીડ પેન્શન સ્કીમ' (GPS) લાગુ કરવાનો સત્તાવાર આદેશ જારી કર્યો છે. આ યોજના હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ સમયે તેમના છેલ્લા મૂળ પગારના ૫૦ ટકા રકમ પેન્શન તરીકે મળવાની ખાતરી આપવામાં આવી છે. આ નિર્ણયથી કેરળમાં સરકારી નોકરી કરતા પરિવારોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

કેરળના નાણામંત્રી કે.એન. બાલાગોપાલે બજેટમાં કરેલી જાહેરાત મુજબ, આ યોજના ૧ એપ્રિલ, ૨૦૨૬ થી અમલી બનશે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે, જે કર્મચારીઓ હાલમાં NPS હેઠળ છે, તેમને પણ નવી 'ગેરંટીડ પેન્શન યોજના' માં જોડાવાનો વિકલ્પ આપવામાં આવશે. એટલે કે, કર્મચારીઓ પોતાની મરજી મુજબ NPS માં ચાલુ રહી શકે છે અથવા નવી યોજનાનો લાભ લઈ શકે છે. આ નિર્ણયથી કર્મચારીઓની વર્ષો જૂની 'જૂની પેન્શન યોજના' (OPS) જેવી સુરક્ષાની માંગ સંતોષાઈ હોય તેમ લાગી રહ્યું છે.
યોજનાની મુખ્ય શરતો અને ફાયદા:
૫૦% ગેરંટીડ પેન્શન: નિવૃત્તિ વખતે જે મૂળ પગાર હશે, તેના અડધા ભાગ જેટલી રકમ આજીવન પેન્શન તરીકે મળશે.
મોંઘવારી રાહત (DR): માત્ર ફિક્સ પેન્શન જ નહીં, પણ વધતી મોંઘવારી સામે રક્ષણ આપવા માટે સરકાર સમય-સમય પર મોંઘવારી રાહત (DR) પણ ચૂકવશે.
સેવા મર્યાદા: મહત્તમ પેન્શનનો લાભ લેવા માટે કર્મચારીએ ઓછામાં ઓછી ૩૦ વર્ષની સેવા પૂર્ણ કરેલી હોવી જોઈએ.
નવા કર્મચારીઓ માટે પસંદગી: ૧ એપ્રિલ ૨૦૨૬ પછી જોડાનારા નવા કર્મચારીઓ પાસે આ યોજના પસંદ કરવાની તક રહેશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી અન્ય રાજ્યોમાં પણ NPS વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનોને નવો વેગ મળી શકે છે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ યોજના માટેની વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આર્થિક વિશ્લેષકોના મતે, આ યોજનાથી રાજ્યની તિજોરી પર બોજ તો વધશે, પરંતુ કર્મચારીઓની સામાજિક સુરક્ષામાં ધરખમ વધારો થશે

(11:52 PM IST)