News of Sunday, 1st March 2026
માર્ચ મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો ફટકો: આજથી દેશભરમાં ૫ મોટા ફેરફારો
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાથી લઈને ફાસ્ટેગ અને મોબાઈલ એપના નિયમોમાં સીધી અસર: રવિવાર અને બીજા-ચોથા શનિવાર સહિત આ મહિને દેશભરમાં વિવિધ રાજ્યોમાં બેંકો કુલ ૧૪ દિવસ બંધ રહેશે

નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનો પૂરો થતાં જ માર્ચ મહિનાની શરૂઆત સામાન્ય જનતા માટે મોટા સમાચાર લઈને આવી છે. આજથી એટલે કે પહેલી માર્ચ, ૨૦૨૬ થી દેશભરમાં પાંચ મોટા અને મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારોની સીધી અસર તમારા ઘરના બજેટ અને રોજિંદા જીવન પર પડવાની છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાથી લઈને ફાસ્ટેગ અને મોબાઈલ એપના નિયમોમાં મોટા બદલાવ આવ્યા છે.
આ ૫ મોટા ફેરફારો વિશે વિગતવાર માહિતી:
૧. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો:
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ માર્ચ મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો ડામ આપ્યો છે. દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૮ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અન્ય મેટ્રો શહેરોમાં આ ભાવ વધારો ૩૧ રૂપિયા સુધીનો છે. સળંગ બીજા મહિને થયેલા આ વધારાને કારણે હોટલ અને રેસ્ટોરન્ટના ખાવા-પીવાના બિલ મોંઘા થઈ શકે છે. રાહતની વાત એ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી.
૨. ફાસ્ટેગ કેવાયસી હવે ફરજિયાત: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. જે વાહનચાલકોએ ફેબ્રુઆરીના અંત સુધીમાં પોતાના ફાસ્ટેગનું કેવાયસી (નો યોર કસ્ટમર) અપડેટ નથી કરાવ્યું, તેમના ફાસ્ટેગ આજથી ડીએક્ટિવેટ (નિષ્ક્રિય) અથવા બ્લેકલિસ્ટ થઈ જશે. ટોલ પ્લાઝા પર બેલેન્સ હોવા છતાં કેવાયસી વિનાના ફાસ્ટેગ કામ નહીં કરે અને વાહનચાલકોએ બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે.
૩. ગૂગલ પ્લે સ્ટોર અને મોબાઈલ એપના કડક નિયમો: આજથી ગૂગલ પ્લે સ્ટોરની નવી બિલિંગ નીતિનો કડક અમલ શરૂ થઈ રહ્યો છે. જે ભારતીય એપ ડેવલપર્સ ગૂગલની સર્વિસ ફી ચૂકવવાના નિયમોનું પાલન નહીં કરે, તેમની એપ્લિકેશન્સ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવશે. આનાથી રોજિંદા ઉપયોગમાં લેવાતી મેટ્રિમોનિયલ, જોબ સર્ચ, ડેટિંગ અને ફાઈનાન્સને લગતી લોકપ્રિય મોબાઈલ એપ્સના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે.
૪. ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો બદલાવ: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ના ક્રેડિટ કાર્ડ ધારકો માટે આજથી નવા નિયમો લાગુ પડ્યા છે. બેંકે મિનિમમ અમાઉન્ટ ડ્યુ (ઓછામાં ઓછી ચૂકવવાપાત્ર રકમ) ની ગણતરીની સિસ્ટમ્સમાં ફેરફાર કર્યો છે. જો નિયત સમયમાં બિલની ચૂકવણી નહીં થાય તો ગ્રાહકો પર આર્થિક દંડનો બોજ વધી શકે છે. આ ઉપરાંત અન્ય પ્રાઇવેટ બેંકોએ પણ ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ અને લાઉન્જ એક્સેસના નિયમોમાં કાપ મૂક્યો છે.
૫. જીએસટીના કડક નિયમો અને બેંક હોલિડે: આજથી ૫ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઈ-ઈન્વોઇસિંગ વિના ઈ-વે બિલ જનરેટ કરવાના જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.
બીજી તરફ, માર્ચ મહિનામાં હોળી, ધુળેટી અને મહાશિવરાત્રી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ની યાદી મુજબ, રવિવાર અને બીજા-ચોથા શનિવાર સહિત આ મહિને દેશભરમાં વિવિધ રાજ્યોમાં બેંકો કુલ ૧૪ દિવસ બંધ રહેશે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
