News of Sunday, 1st March 2026
આકાશમાં 'ડેન્જર ઝોન': DGCA એ ભારતીય એરલાઇન્સને 11 દેશોના એરસ્પેસથી દૂર રહેવા લાલબત્તી ધરી, મધ્યપૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વચ્ચે સેંકડો ફ્લાઇટ્સ રદ
ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષના પગલે 2 માર્ચ સુધી હવાઈ માર્ગો પર પ્રતિબંધ: એર ઈન્ડિયા અને ઈન્ડિગો સહિતની કંપનીઓએ તેલ અવીવ અને દુબઈની ઉડાનો થંભાવી, મુંબઈ એરપોર્ટ પર 57 ફ્લાઇટ્સના પૈડાં થંભી જતા મુસાફરોની માઠી દશા.

નવી દિલ્હી: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી વિસ્ફોટક સ્થિતિને જોતા ભારત સરકાર હરકતમાં આવી છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ ભારતીય એરલાઇન્સ માટે અત્યંત કડક એડવાઈઝરી જાહેર કરીને ઈરાન અને ઈઝરાયેલ સહિત કુલ 11 દેશોના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ન કરવા તાકીદ કરી છે. આ સુરક્ષા નિર્દેશો 2 માર્ચ 2026 સુધી અમલી રહેશે. વૈશ્વિક સુરક્ષા એજન્સી EASA ના 'કોન્ફ્લિક્ટ ઝોન' બુલેટિનને આધારે લેવાયેલા આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મિસાઈલ હુમલાના જોખમ વચ્ચે ભારતીય વિમાનો અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
DGCA ની આ જાહેરાત બાદ એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા એર અને સ્પાઈસ જેટ જેવી દિગ્ગજ કંપનીઓએ મધ્યપૂર્વના દેશો તરફ જતી તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી રદ અથવા ડાયવર્ટ કરી દીધી છે. દિલ્હીથી તેલ અવીવ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને અધવચ્ચેથી જ સુરક્ષાના કારણોસર મુંબઈ પરત વાળવી પડી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે એરસ્પેસ બંધ થવાથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવાર સાંજ સુધીમાં અંદાજે 57 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો પ્રવાસીઓ એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા છે. અમૃતસર એરપોર્ટ પર પણ મુસાફરો માટે વિશેષ સાવચેતીના નિર્દેશો જારી કરાયા છે.
સ્થિતિની ગંભીરતાને પારખીને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને ખાનગી એરપોર્ટ ઓપરેટરોને કોઈપણ પ્રકારના ઈમરજન્સી લેન્ડિંગ કે ડાયવર્ઝન માટે તૈયાર રહેવા સૂચના અપાઈ છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સલામતી સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. આ સાથે જ એરલાઇન્સ કંપનીઓને આદેશ અપાયો છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં ફસાયેલા મુસાફરો પાસેથી કેન્સલેશન ચાર્જ ન વસૂલવામાં આવે અને તેમને રિશેડ્યુલિંગમાં મહત્તમ રાહત આપવામાં આવે.
વિદેશ મંત્રાલય (MEA) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય હાલમાં સતત સંપર્કમાં છે જેથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવી શકાય. જે દેશોના એરસ્પેસ પર પ્રતિબંધ મુકાયો છે ત્યાંથી પસાર થતી લાંબા અંતરની ફ્લાઇટ્સ હવે લાંબો રૂટ લઈને ઉડી રહી છે, જેના કારણે ઈંધણના વપરાશમાં વધારો અને મુસાફરીના સમયમાં 3 થી 5 કલાકનો વિલંબ થઈ રહ્યો છે. હાલમાં એરપોર્ટ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ રિયલ-ટાઈમ મોનિટરિંગ કરી રહી છે જેથી આસમાની સંકટની સીધી અસર ભારતીય નાગરિકો પર ન પડે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
