<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

દુબઈ ઉપર મિસાઈલ હુમલાનો મંડરાતો ખતરો: ગૃહ મંત્રાલય - એમઓઆઈ દ્વારા નાગરિકોના મોબાઈલ પર અંગ્રેજી, અરબી અને ઉર્દૂ એમ ત્રણ ભાષાઓમાં ઈમરજન્સી એલર્ટ જારી, લોકોને તાત્કાલિક નજીકની સુરક્ષિત ઈમારતમાં ખસી જવા કડક સૂચના

ટેલિકોમ નેટવર્ક મારફતે અચાનક જ મોબાઈલ સ્ક્રીન પર ફ્લેશ થયેલા આ ખતરાના એલર્ટને પગલે લોકોમાં ભારે ચિંતાનો માહોલ

દુબઈ: ગૃહ મંત્રાલય (એમઓઆઈ) દ્વારા નાગરિકોના મોબાઈલ ફોન પર એક અતિ-મહત્વનું અને તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ મોકલવામાં આવ્યું છે. આ એલર્ટમાં સંભવિત મિસાઈલ હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

 

અંગ્રેજી, અરબી અને ઉર્દૂ એમ ત્રણ ભાષાઓમાં મોકલવામાં આવેલા આ સત્તાવાર સંદેશામાં લોકોને તાત્કાલિક ધોરણે નજીકની કોઈ સુરક્ષિત ઈમારતમાં આશરો લેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. હુમલાના જોખમને જોતા લોકોને બારીઓ, દરવાજાઓ અને ખુલ્લા મેદાનો કે વિસ્તારોથી દૂર રહેવાની પણ ખાસ તાકીદ કરવામાં આવી છે.

 

પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી નવી કોઈ સત્તાવાર માર્ગદર્શિકા કે સૂચના ન મળે ત્યાં સુધી લોકોએ પોતાના સુરક્ષિત સ્થાનો પર જ રહેવું. ટેલિકોમ નેટવર્ક મારફતે અચાનક જ મોબાઈલ સ્ક્રીન પર ફ્લેશ થયેલા આ ખતરાના એલર્ટને પગલે લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.*

 

(11:26 AM IST)