<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

નવાબોના શહેરમાં ગમગીની: આયાતુલ્લાહ ખામેનીના નિધનથી લખનૌમાં હિબકાં લેતો શિયા સમુદાય, ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત

ઐતિહાસિક ઇમામબારાઓ પર કાળા ધ્વજ ફરકાવવામાં આવ્યા: મૌલાના કલ્બે જાવદની અપીલ બાદ લખનૌના બજારો સ્વયંભૂ બંધ, આજે રાત્રે કેન્ડલ માર્ચ અને વિશેષ શોકસભા દ્વારા વિશ્વના દિગ્ગજ ધાર્મિક નેતાને અપાશે ભીની આંખે શ્રદ્ધાંજલિ.

લખનૌ: ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શિયા સમુદાયના ગઢ ગણાતા આ શહેરમાં ખામેનીના પ્રશંસકો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં હોવાથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું છે. સમુદાયના અગ્રણી ધાર્મિક નેતા મૌલાના કલ્બે જાવદે સત્તાવાર રીતે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. લખનૌના રસ્તાઓ પર શોકગ્રસ્ત લોકો ઉતરી આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટા વૈચારિક નેતા ગુમાવ્યાનો અહેસાસ વ્યક્ત કરી રહ્યા છે.

મૌલાના કલ્બે જાવદની અપીલને પગલે લખનૌના તમામ ઘરો, ઐતિહાસિક ઇમામબારાઓ અને ધાર્મિક સ્થળો પર શોકના પ્રતીક રૂપે કાળા ધ્વજ ફરકાવવામાં આવ્યા છે. શહેરના જૂના વિસ્તારોમાં વેપારીઓએ પોતાની દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓ સ્વયંભૂ બંધ રાખીને એકતા દર્શાવી છે. શિયા સમુદાયના સભ્યોએ આ દુઃખની ઘડીમાં એકસાથે મળીને શાંતિ જાળવવા અને ખામેનીના આદર્શોને યાદ કરવા માટે એકત્ર થવાનું શરૂ કર્યું છે. લખનૌની ગલીઓમાં અત્યારે મૌન અને પ્રાર્થનાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ શોક કાર્યક્રમના ભાગરૂપે આજે રાત્રે 8 વાગ્યે શહેરના વિશ્વવિખ્યાત 'છોટા ઇમામબારા' ખાતે એક વિશાળ શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતાને જોતા સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી છે. શોકસભા બાદ ઐતિહાસિક માર્ગો પર મીણબત્તી પ્રગટાવીને (કેન્ડલ માર્ચ) મૌન જાગરણ કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ, આ માત્ર એક ધાર્મિક નેતાને શ્રદ્ધાંજલિ નથી, પરંતુ માનવતા, એકતા અને શાંતિના સંદેશને વિશ્વભરમાં ફેલાવવાનો એક નમ્ર પ્રયાસ છે.

લખનૌ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ આવી જ રીતે શોકસભા યોજવાની હાકલ કરવામાં આવી છે. આયોજકોએ જણાવ્યું છે કે આ મુશ્કેલ સમયમાં તમામ સમુદાયના લોકો જેઓ માનવતાવાદી મૂલ્યોમાં માને છે, તેઓ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાય. ખામેનીના નિધનથી માત્ર ઈરાન જ નહીં, પરંતુ ભારત સહિત વિશ્વભરના ઈસ્લામિક વિદ્વાનો અને અનુયાયીઓમાં એક ખાલીપો સર્જાયો છે. લખનૌમાં અત્યારે વહીવટીતંત્ર પણ એલર્ટ પર છે જેથી આ શોક સભાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.

(12:24 PM IST)