News of Sunday, 1st March 2026
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય ખેલાડીઓ અટવાયા: સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ, બાસ્કેટબોલ ટીમ કતારમાં અટવાઈ
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના મિસાઈલ હુમલા બાદ ખાડી દેશોનું હવાઈ ક્ષેત્ર બંધ; દુબઈ અને અબુ ધાબીથી ઉપડતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સ્થગિત થતા હજારો મુસાફરો બેહાલ

દુબઈ:અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અરાજકતા સર્જાઈ છે. આ ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર ભારતના સ્ટાર ખેલાડીઓ પર પણ પડી છે. ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ હાલમાં દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે, જ્યારે ભારતની સિનિયર પુરુષ બાસ્કેટબોલ ટીમ કતારની રાજધાની દોહામાં અટવાઈ પડી હોવાના અહેવાલ છે.
પીવી સિંધુએ ઈન્સ્ટાગ્રામ પર આપી જાણકારી:
બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુ ૩ માર્ચથી શરૂ થઈ રહેલી ઇંગ્લેન્ડ ઓપનમાં ભાગ લેવા માટે બર્મિંગહામ જઈ રહી હતી. દુબઈ તેનું કનેક્ટિંગ પોઈન્ટ હતું, પરંતુ યુદ્ધ જેવી સ્થિતિને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. સિંધુએ એરપોર્ટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતું કે, "આગામી સૂચના સુધી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે." આ પોસ્ટ બાદ રમતજગતમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.
દુબઈ અને અબુ ધાબી એરપોર્ટ સંપૂર્ણ બંધ:
રોયટર્સના અહેવાલ મુજબ, દુબઈ એરપોર્ટ મેનેજમેન્ટે પુષ્ટિ કરી છે કે દુબઈ ઈન્ટરનેશનલ અને અલ મક્તુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ પરિચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. એમિરેટ્સ એરલાઈન અને ફ્લાયદુબઈ જેવી મોટી એરલાઈન્સે તેમની સેવાઓ હંગામી ધોરણે રોકી દીધી છે. એ જ રીતે, એતિહાદ એરવેઝે અબુ ધાબીથી રવાના થતી તમામ ફ્લાઈટ્સ રવિવાર સવાર સુધી સ્થગિત કરી દીધી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને અત્યારે એરપોર્ટ પર ન આવવા અને ફ્લાઈટ સ્ટેટસ તપાસતા રહેવા વિનંતી કરી છે.
ભારતીય બાસ્કેટબોલ ટીમ કતારમાં અટવાઈ:
માત્ર બેડમિન્ટન જ નહીં, પરંતુ બાસ્કેટબોલના ખેલાડીઓ પર પણ આ જંગની અસર જોવા મળી રહી છે. ભારતીય બાસ્કેટબોલ ફેડરેશનના જણાવ્યા અનુસાર, ભારતની સિનિયર પુરુષ બાસ્કેટબોલ ટીમ હાલ કતારમાં ફસાઈ ગઈ છે. ટીમ ત્યાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ૨૦૨૭ એશિયન ક્વોલિફાયર મુકાબલા માટે પહોંચી હતી, પરંતુ હવે હવાઈ સેવાઓ બંધ થતા તેમની મુસાફરી અનિશ્ચિત બની ગઈ છે.
એશિયા અને યુરોપ વચ્ચે મુસાફરી કરવા માટે ખાડી દેશોના એરપોર્ટ મુખ્ય હબ ગણાય છે, ત્યારે આ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ભારતીય ખેલાડીઓ અને અન્ય પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટેના પ્રયાસો અંગે હવે સૌની નજર ભારત સરકારના વિદેશ મંત્રાલય પર ટકેલી છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
