News of Sunday, 1st March 2026
ઈરાનના સુપ્રીમ લીડર ખમેનેઈના મોતથી કાશ્મીર ખીણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: હજારો લોકો રસ્તા પર ઉતર્યા, અમેરિકા-ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર
'ઓપરેશન એપિક ફ્યુરી' માં ૪૦ થી વધુ ટોચના નેતાઓના મોતથી શિયા સમુદાયમાં ઉગ્ર આક્રોશ; ખમેનેઈના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન અને ઈસ્લામિક એકતાના નારાથી શ્રીનગર ગુંજ્યું

શ્રીનગર:અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ સૈન્ય હુમલામાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનેઈના મોતના સમાચાર મળતા જ કાશ્મીર ખીણમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. હુમલાના વિરોધમાં કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ખમેનેઈની તસવીરો તથા પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રદર્શનકારીઓએ "ખમેનેઈ ઝિંદાબાદ" અને "અમેરિકા-ઈઝરાયેલ મુર્દાબાદ" ના નારા લગાવી પોતાની સખત નારાજગી વ્યક્ત કરી હતી.
ધાર્મિક અને રાજકીય લાગણીઓનો જુવાળ:
કાશ્મીરમાં અયાતુલ્લા અલી ખમેનેઈને એક ઈસ્લામિક ક્રાંતિકારી અને પેલેસ્ટાઈન સમર્થક નેતા તરીકે જોવામાં આવે છે. કાશ્મીર મુદ્દે ઈરાનના લાંબા સમયથી રહેલા સમર્થનને કારણે ખાસ કરીને શિયા સમુદાય અને ઈરાન સમર્થક જૂથોમાં તેમની લોકપ્રિયતા અત્યંત વધુ છે. તેમને ઈસ્લામિક એકતા અને શિયા મુસ્લિમ સમુદાયના પ્રતીક માનવામાં આવતા હોવાથી, તેમના નિધનને કાશ્મીરના લોકો માત્ર એક રાજકીય ઘટના નહીં પરંતુ ધાર્મિક અને સામુદાયિક ભાવનાઓ પરના પ્રહાર તરીકે જોઈ રહ્યા છે.
૪૦ થી વધુ ટોચના નેતાઓનો સફાયો:
શનિવારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવેલા "ઓપરેશન એપિક ફ્યુરી" માં ઈરાન પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અલી ખમેનેઈ અને તેમના પરિવારના અનેક સભ્યો સહિત ઈરાનના ૪૦ થી વધુ ટોચના નેતાઓ અને કમાન્ડરોના મોત નીપજ્યા છે. આ આક્રમક કાર્યવાહીને કાશ્મીરના પ્રદર્શનકારીઓ ઈસ્લામ અને શિયા સમુદાય પરના હુમલા તરીકે ગણાવી રહ્યા છે, જેના કારણે મધ્ય પૂર્વની સાથે સાથે હવે એશિયાના આ વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર બની છે.
ભવિષ્યના રાજકારણ પર અસરની ભીતિ:
કાશ્મીરમાં ઉઠેલો આ આક્રોશ આવનારા સમયમાં પ્રાદેશિક રાજકારણ પર મોટી અસર કરી શકે છે. ખમેનેઈના મોતને કારણે ઉભો થયેલો આ સમુદાયિક રોષ લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે. અત્યારે સમગ્ર ખીણમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતર્ક નજર રાખવામાં આવી રહી છે. ઈરાન પરના આ મોટા હુમલાએ વૈશ્વિક સ્તરે રણનીતિક સમીકરણો બદલી નાખ્યા છે, જેની સીધી અસર કાશ્મીરના રસ્તાઓ પર જોવા મળી રહી છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
