News of Sunday, 1st March 2026
ઈરાનના સુપ્રીમ લીડરના કિલ્લાને ધ્વસ્ત કરવા અમેરિકા-ઈઝરાયેલે ૩૦ શક્તિશાળી 'બંકર બસ્ટર' બોમ્બ ઝીંક્યા: મલબામાં ફેરવાઈ ગયું આખું સંકુલ
૨૨૬૮ કિલો વજન ધરાવતા GBU-28 લેઝર ગાઈડેડ બોમ્બ વડે ભૂગર્ભ બંકરોનો કરાયો સફાયો; ૧૫ થી ૨૦ F-15I લડાકુ વિમાનોએ ચોકસાઈપૂર્વક ઓપરેશન પાર પાડી ઈરાની નેતાગીરીને નેસ્તનાબૂદ કરી

વોશિંગ્ટન:અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનેઈના નિવાસસ્થાન અને તેમના સંકુલ પર કરવામાં આવેલા હુમલાની અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ હુમલામાં ઈઝરાયેલી ફાઈટર જેટ્સ દ્વારા કુલ ૩૦ અત્યંત વિનાશક બોમ્બ વરસાવવામાં આવ્યા હતા, જેના કારણે ખમેનેઈનું અત્યંત સુરક્ષિત ગણાતું કોમ્પ્લેક્સ સેકન્ડોમાં મલબાના ઢગલામાં ફેરવાઈ ગયું હતું.
વિશ્વના સૌથી ઘાતક 'બંકર બસ્ટર' બોમ્બનો ઉપયોગ:
સંરક્ષણ નિષ્ણાતોના મતે, ખમેનેઈનું સંકુલ માત્ર ઉપરથી જ મજબૂત નહોતું, પરંતુ તેની નીચે ઊંડા અને સુરક્ષિત ભૂગર્ભ બંકરો આવેલા હતા. આ બંકરોને તોડવા માટે સામાન્ય બોમ્બ નિષ્ફળ રહે તેમ હોવાથી, અમેરિકી બનાવટના GBU-28 'લેઝર ગાઈડેડ પેનેટ્રેટર' બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પ્રબળ શક્યતા છે. આ બોમ્બનું વજન અંદાજે ૨૨૬૮ કિલોગ્રામ અને લંબાઈ ૧૯ ફૂટ છે. તે ૨૦ થી ૩૦ ફૂટ જાડા કોંક્રિટને ચીરીને અંદર વિસ્ફોટ કરવાની ક્ષમતા ધરાવે છે.
૧૫ થી ૨૦ લડાકુ વિમાનોનું સંયુક્ત ઓપરેશન:
કોઈપણ એક વિમાન માટે ૩૦ જેટલા ભારે બોમ્બ લઈ જવા અશક્ય હોવાથી, આ મિશનમાં ઈઝરાયેલના ૧૫ થી ૨૦ જેટલા F-15I 'રામ' લડાકુ વિમાનોએ હિસ્સો લીધો હતો. દરેક વિમાન ૧ થી ૨ GBU-28 બોમ્બ લઈને ઉડ્યું હતું. દિવસના અજવાળામાં કરવામાં આવેલા આ હુમલામાં લેઝર ગાઈડન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી પાયલોટ જમીન પર ચોક્કસ નિશાનો ટાંકીને બોમ્બ ફેંકી શકે. આ વ્યૂહાત્મક હુમલામાં ઈરાનના તમામ મોટા નેતાઓ જ્યારે એકસાથે બેઠા હતા ત્યારે જ તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને પ્રહાર ક્ષમતા:
GBU-28 બોમ્બનો સૌપ્રથમ ઉપયોગ ૧૯૯૧માં ખાડી યુદ્ધ (Gulf War) દરમિયાન સદ્દામ હુસૈનના બંકરો તોડવા માટે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોસોવો અને ઈરાક યુદ્ધમાં પણ તેનો ઉપયોગ થયો છે. ઈઝરાયેલે અગાઉ ગાઝા અને લેબનોનમાં પણ આ પ્રકારના હથિયારોનો પ્રયોગ કર્યો છે. આ હુમલા દ્વારા અમેરિકા અને ઈઝરાયેલે સાબિત કર્યું છે કે ઈરાનની સૌથી સુરક્ષિત ગણાતી જગ્યાઓ પણ હવે તેમના અત્યાધુનિક હથિયારોથી બચી શકે તેમ નથી.
ચીની કંપનીએ જાહેર કરી સેટેલાઈટ તસવીરો:
ખમેનેઈના ઘર પર થયેલા આ ભીષણ હુમલા બાદ એક ચીની કંપનીએ સેટેલાઈટ તસવીરો પણ જાહેર કરી છે, જેમાં આખા સંકુલની તબાહી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઈરાની તંત્ર આ હુમલાથી સ્તબ્ધ છે, કારણ કે તેમની મજબૂત કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ હવે સંપૂર્ણપણે છિન્નભિન્ન થઈ ગઈ છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
