News of Sunday, 1st March 2026
ઇસ્લામિક દેશોમાં લોહિયાળ જંગ: પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર ભીષણ હવાઈ હુમલો, ‘ઓપરેશન ગઝબ’માં કાબુલ ધ્રૂજ્યું
તાલિબાન અને પાકિસ્તાની સેના સામસામે: ૩૭ સ્થળો પર બોમ્બમારો અને ૧૦૦થી વધુ સૈનિકોના મોત સાથે સરહદ રણમેદાનમાં ફેરવાઈ; ઇસ્લામાબાદનો ૩૩૧ આતંકીઓને ઠાર કર્યાનો દાવો, તો વળતા પ્રહારમાં તાલિબાને ૨૭ સૈન્ય ચોકીઓ પર કર્યો કબજો.

ઇસ્લામાબાદ: વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે હવે દક્ષિણ એશિયામાં પણ યુદ્ધના નગારા વાગ્યા છે. પાકિસ્તાન એરફોર્સે અફઘાનિસ્તાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. 'ઓપરેશન ગઝબ-લિલ-હક્ક' હેઠળ પાકિસ્તાની ફાઈટર જેટ્સે કાબુલ અને વ્યૂહાત્મક રીતે મહત્વના બાગ્રામ એરબેઝ સહિત કુલ ૩૭ સ્થળોને નિશાન બનાવી સખત બોમ્બમારો કર્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે આ ઓપરેશનમાં ૩૩૧ વ્યક્તિઓ માર્યા ગયા છે અને ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભય અને સન્નાટાનો માહોલ જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાને આ આક્રમક સૈન્ય કાર્યવાહી પાછળ ઇસ્લામાબાદ, બાજૌર અને બન્નુમાં થયેલા આતંકી હુમલાઓને જવાબદાર ગણાવ્યા છે. પાકિસ્તાન રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આ ઘટનાક્રમને ‘ઓપન વોર’ ગણાવતા કહ્યું હતું કે તેમની ધીરજની સીમા હવે ખતમ થઈ ગઈ છે. પાકિસ્તાની સેનાના દાવા મુજબ, કંધાર, પક્તિકા અને ખોસ્ટ જેવા વિસ્તારોમાં તાલિબાનની ૧૦૪ મિલિટરી પોસ્ટ્સને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે અને ૨૨ બોર્ડર પોસ્ટ્સ પર પાકિસ્તાને કબજો મેળવ્યો છે. એટલું જ નહીં, ૧૬૩ ટેન્કોનો નાશ કરીને અફઘાનિસ્તાનની સૈન્ય શક્તિને મોટું નુકસાન પહોંચાડ્યાનો પણ દાવો કરાયો છે.
બીજી તરફ, અફઘાન તાલિબાન સરકારે પણ પાકિસ્તાનના આ દાવાઓને પડકારતા અત્યંત આક્રમક વળતો પ્રહાર કર્યો છે. તાલિબાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં સરહદ પર થયેલી અથડામણમાં તેમણે ૧૧૦ પાકિસ્તાની સૈનિકોને મોતના ઘાટ ઉતારી દીધા છે અને ૬૮ સૈનિકોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાનની ૨૭ લશ્કરી ચોકીઓ છીનવી લીધી હોવાનો પણ દાવો કર્યો છે. આ વળતા હુમલાઓએ પાકિસ્તાની સેનાની વ્યૂહરચના સામે મોટા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે અને સરહદી વિસ્તારોમાં યુદ્ધ જેવી સ્થિતિ વધુ વણસી છે.
હાલમાં વિશ્વના નકશા પર એક પછી એક ઇસ્લામિક દેશો એકબીજા સામે લોહિયાળ જંગે ચડ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એકતરફ ઈરાન પર ઈઝરાયેલ-અમેરિકાના હુમલા અને બીજી તરફ પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેનું આ સીધું યુદ્ધ એશિયામાં મોટી અસ્થિરતા લાવી શકે છે. પાકિસ્તાન અને તાલિબાન બંને પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે નિર્દોષ નાગરિકો આ સત્તાના સંઘર્ષમાં હોમાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલાઓની ટીકા થઈ રહી છે અને જો આ સંઘર્ષ જલ્દી ન અટકે તો તે સંપૂર્ણ કક્ષાના પ્રાદેશિક યુદ્ધમાં પરિવર્તિત થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
