News of Sunday, 1st March 2026
યુદ્ધના મેદાનમાંથી પોરબંદરના પ્રતાપનો પોકાર: ‘ઈઝરાયેલમાં સ્થિતિ સામાન્ય, સોશિયલ મીડિયાની અફવાઓથી ન ડરો’
ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે વિદેશમાં વસતા ગુજરાતી યુવાને લાઈવ વિડીયો દ્વારા ભારતમાં રહેતા પરિવારોની ચિંતા દૂર કરી; સેલ્ફી-ઈન્ફ્લુએન્સર દ્વારા ફેલાવાતા ખોટા ડરનો પર્દાફાશ કરતા જણાવ્યું- ‘અમે સુરક્ષિત છીએ, ભારતીય દૂતાવાસ સતત અમારા સંપર્કમાં છે.’

પોરબંદર: મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે છેડાયેલા ભીષણ જંગના સમાચારોએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે, ત્યારે ગુજરાતના પોરબંદર જિલ્લાના અનેક પરિવારો પોતાના વહાલાસોયાઓની સુરક્ષાને લઈને ચિંતામાં ડૂબેલા છે. આ ગંભીર માહોલ વચ્ચે ઈઝરાયેલમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા પોરબંદરના યુવાન પ્રતાપ વોડેદરાએ એક લાઈવ વિડિયો સંદેશ જારી કરીને સત્ય હકીકત રજૂ કરી છે. પ્રતાપે જણાવ્યું છે કે ન્યૂઝ ચેનલો અને ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જે પ્રકારે ભયાનક અને રક્તરંજિત સ્થિતિ બતાવવામાં આવી રહી છે, વાસ્તવમાં જમીની હકીકત તેનાથી ઘણી અલગ અને રાહતજનક છે.
વિડિયો સંદેશમાં પ્રતાપ વોડેદરાએ સ્વીકાર્યું હતું કે રવિવારની વહેલી સવારથી ઈઝરાયેલમાં સુરક્ષાના કારણોસર માહોલ થોડો ગરમ થયો છે અને સવારે 6 વાગ્યાથી સાયરન વાગવાના શરૂ થયા હતા. જોકે, તેમણે ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી કે ઈઝરાયેલની અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ અને સ્થાનિક વહીવટી તંત્રની સતર્કતાને કારણે સામાન્ય જનજીવન પર બહુ મોટી અસર પડી નથી. તેમણે પોરબંદરવાસીઓને અને ખાસ કરીને વિદેશમાં સંતાનો ધરાવતા વાલીઓને અપીલ કરી છે કે તેઓ ગભરાય નહીં, કારણ કે ત્યાં વસતા તમામ ભારતીયો અત્યારે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સલામત સ્થળોએ આશરો લઈ રહ્યા છે.
આ દરમિયાન પ્રતાપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેટલાક લોકો પોતાની લાઈક્સ અને લોકપ્રિયતા વધારવા માટે જૂના વિડિયો અથવા ખોટી માહિતી શેર કરીને ભારતમાં બેઠેલા પરિવારોમાં ખોટો ફફડાટ ફેલાવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઇન્ફ્લુએન્સર દ્વારા સર્જાયેલો આ 'ડિજિટલ ડર' વાસ્તવિક યુદ્ધ કરતા વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. પ્રતાપે લોકોને વિનંતી કરી છે કે કોઈપણ બિનસત્તાવાર માહિતી પર વિશ્વાસ ન કરવો અને સોશિયલ મીડિયાના ભ્રામક પ્રચારથી દૂર રહીને માનસિક શાંતિ જાળવી રાખવી.
ભારતીયોની સુરક્ષા અંગે વિગતો આપતા પ્રતાપે જણાવ્યું કે, તેલ અવીવમાં આવેલું ભારતીય દૂતાવાસ સતત તેમના સંપર્કમાં છે અને પળેપળની સૂચનાઓ આપી રહ્યું છે. ત્યાં વસતો ભારતીય સમુદાય અત્યારે એક પરિવારની જેમ હળીમળીને રહી રહ્યો છે અને એકબીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખી રહ્યો છે. પ્રતાપ વોડેદરાનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસર્યો છે, જેનાથી સેંકડો ગુજરાતી પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમણે આ સંદેશને વધુમાં વધુ શેર કરવા વિનંતી કરી છે જેથી અફવાઓનું બજાર શાંત થાય અને સત્ય હકીકત લોકો સુધી પહોંચી શકે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
