<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ડિજિટલ દુનિયામાં ‘સિમ-બાઈન્ડિંગ’નો સપાટો: આજથી વોટ્સએપ અને ટેલિગ્રામના નિયમો બદલાયા, ફોનમાં સિમ નહીં હોય તો એપ થશે બંધ

ઓનલાઈન છેતરપિંડી રોકવા ટેલિકોમ વિભાગનો માસ્ટરપ્લાન: 1 માર્ચથી નવો કાયદો અમલી બનતા હવે માત્ર OTPથી નહીં ચાલે કામ; રજિસ્ટર્ડ સિમ કાર્ડ વિના મેસેજિંગ એપ્સમાં લાગી જશે ‘તાળું’ અને વોટ્સએપ વેબ દર 6 કલાકે થઈ જશે ઓટો-લોગઆઉટ

નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા સાયબર ક્રાઈમ અને ડિજિટલ છેતરપિંડીના બનાવો પર લગામ કસવા માટે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી એટલે કે 1 માર્ચ, 2026થી દેશભરમાં ‘સિમ-બાઈન્ડિંગ’નો નવો નિયમ અમલમાં આવી ગયો છે. આ નિયમ હેઠળ હવે વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય મોબાઈલ નંબર આધારિત મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરવા માટે તમારા સ્માર્ટફોનમાં રજિસ્ટર્ડ સિમ કાર્ડ હોવું અનિવાર્ય છે. જો તમે ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખશો અથવા તેને ડિસેબલ કરશો, તો તમારી મેસેજિંગ એપ તુરંત કામ કરવાનું બંધ કરી દેશે. આ આદેશ ગત 28 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો અને ટેક કંપનીઓને તૈયારી માટે 90 દિવસનો સમય અપાયો હતો, જેની મુદત ગઈકાલે પૂર્ણ થઈ છે.

અત્યાર સુધીની સિસ્ટમમાં યુઝર્સ એકવાર OTP દ્વારા વેરીફિકેશન કરી લેતા હતા, ત્યારબાદ ફોનમાં સિમ ન હોય તો પણ વાઈ-ફાઈ દ્વારા વોટ્સએપ કે ટેલિગ્રામ ચલાવી શકાતું હતું. જોકે, નવા ‘સિમ-બાઈન્ડિંગ’ નિયમે આ છીંડાં પૂરી દીધા છે. હવે એપ્લિકેશન સતત ચેક કરતી રહેશે કે જે નંબર પર એકાઉન્ટ ચાલે છે તે સિમ કાર્ડ પ્રાથમિક ઉપકરણમાં સક્રિય છે કે નહીં. જો સિમ કાર્ડ દૂર કરવામાં આવશે, તો સુરક્ષાના કારણોસર એકાઉન્ટ એક્સેસ બ્લોક થઈ જશે. આ કડક જોગવાઈ ખાસ કરીને એવા કિસ્સાઓ રોકવા માટે કરવામાં આવી છે જેમાં ગુનેગારો ઓરિજિનલ સિમ કાર્ડ વગર બીજાના નંબર પર એકાઉન્ટ ચલાવીને ફિશિંગ અને સ્પૂફિંગ જેવી છેતરપિંડી આચરતા હતા.

લેપટોપ કે પીસી પર વોટ્સએપ વાપરતા યુઝર્સ માટે પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, વોટ્સએપ વેબ જેવી સેવાઓ હવે દર છ કલાકે આપમેળે લોગ-આઉટ થઈ જશે. યુઝર્સે દર છ કલાકે ફરીથી પોતાના સ્માર્ટફોન દ્વારા વેરીફિકેશન કરવું પડશે. આ પગલું ઓફિસ કે જાહેર સ્થળોએ લોગ-ઈન રહી ગયેલા એકાઉન્ટ્સના દુરુપયોગને રોકવા માટે લેવાયું છે. જોકે, મોબાઈલ એપ્લિકેશન પર આવો કોઈ સમય મર્યાદાનો નિયમ લાગુ પડશે નહીં, ત્યાં સુધી કે જ્યાં સુધી ફોનમાં સિમ કાર્ડ એક્ટિવ છે. રોમિંગ દરમિયાન કે મુસાફરીમાં પણ જો સિમ કાર્ડ ફોનમાં હશે, તો યુઝર્સને કોઈ તકલીફ પડશે નહીં.

ટેલિકોમ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવા નિયમથી ટ્રેસેબિલિટી (ખરાઈ કરવાની ક્ષમતા) વધશે અને દરેક સક્રિય એકાઉન્ટ KYC નિયમો હેઠળ ચકાસાયેલ સિમ કાર્ડ સાથે જોડાયેલું રહેશે. આનાથી વિદેશમાં બેસીને ભારતીય નંબરોનો દુરુપયોગ કરતા સાયબર માફિયાઓ પર સીધો પ્રહાર થશે. જો કોઈ કંપની આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેની સામે ટેલિકોમ અને સાયબર સુરક્ષા કાયદા હેઠળ કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આજથી યુઝર્સે પોતાના ફોનમાં રજિસ્ટર્ડ સિમ કાર્ડ હંમેશા સક્રિય રાખવું પડશે, અન્યથા તેમની ડિજિટલ કનેક્ટિવિટી ખોરવાઈ શકે છે.

(2:12 PM IST)