News of Sunday, 1st March 2026
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનો ભડકો: આયાતુલ્લાહ ખામેનીના નિધન બાદ ઈરાન-ઈઝરાયેલ આમને-સામને, ફસાયેલા ભારતીયો માટે ઈમરજન્સી હેલ્પલાઈન જાહેર
તેહરાનથી તેલ અવીવ સુધી મિસાઈલ વર્ષા અને સાયરનોનો ગુંજારવ: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂના આક્રમક વલણ વચ્ચે રણમેદાનમાં ફેરવાયું ગલ્ફ; ભારત સરકાર એક્શન મોડમાં – દૂતાવાસે જારી કર્યા ખાસ સંપર્ક નંબરો અને એડવાઈઝરી

નવી દિલ્હી: મધ્ય પૂર્વના આકાશમાં ફરી એકવાર યુદ્ધના કાળા વાદળો ઘેરાયા છે અને પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. શનિવારે બપોરે અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત દળોએ ઈરાન પર શ્રેણીબદ્ધ ભીષણ મિસાઈલ હુમલા કરતા તેહરાન સહિતના મુખ્ય શહેરો વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠ્યા છે. આ હુમલામાં સૌથી મોટા સમાચાર ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના નિધનના મળી રહ્યા છે, જેના કારણે સમગ્ર ઈસ્લામિક જગતમાં આક્રોશની જ્વાળા ભભૂકી છે. અમેરિકાએ આ સૈન્ય કાર્યવાહીની પુષ્ટિ કરી છે, જ્યારે ઈરાને પણ વળતો પ્રહાર કરતા મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ લોહિયાળ જંગ વચ્ચે ત્યાં વસતા હજારો ભારતીયોની સુરક્ષા પર મોટું જોખમ ઉભું થયું છે.
ઈરાનમાં સર્જાયેલી અરાજકતા અને તણાવપૂર્ણ સ્થિતિને જોતા તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ હાઈ-એલર્ટ પર છે. દૂતાવાસ દ્વારા જારી કરાયેલી કડક એડવાઈઝરીમાં તમામ ભારતીય નાગરિકોને ઘરોની અંદર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા તાકીદ કરવામાં આવી છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે ખાસ ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો +989128109115, +989128109109, +989128109102 અને +989932179359 કાર્યરત કરવામાં આવ્યા છે. સાયરન વાગતાની સાથે જ સુરક્ષિત આશ્રયસ્થાનોમાં પહોંચી જવા અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. તેહરાનની શેરીઓમાં અત્યારે માત્ર સૈન્ય વાહનો અને ટેન્કોની અવરજવર જોવા મળી રહી છે.
બીજી તરફ, ઈઝરાયેલમાં પણ યુદ્ધની ગંભીર અસરો જોવા મળી રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાને અમેરિકનોના રક્ષણ માટેનું અનિવાર્ય પગલું ગણાવ્યું છે, તો ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેને અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો જંગ ગણાવ્યો છે. તેલ અવીવમાં રહેતા ભારતીય સમુદાય માટે પણ દૂતાવાસે સુરક્ષા કવચ પૂરું પાડવા કમર કસી છે. ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયો કોઈપણ કટોકટીમાં +972-54-7520711 અને +972-54-2428378 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત [email protected] પર ઈમેઈલ દ્વારા પણ મદદ માંગી શકાય છે
વૈશ્વિક સ્તરે આ સંઘર્ષની ગંભીર નોંધ લેવામાં આવી રહી છે અને ભારત સરકાર પળેપળની સ્થિતિ પર નજર રાખી રહી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેમની પ્રાથમિકતા મધ્ય પૂર્વમાં વસતા ભારતીય નાગરિકોને સુરક્ષિત રાખવાની અને જરૂર પડે તો તેમને એરલિફ્ટ કરવાની છે. યુદ્ધની તીવ્રતા વધતા હવાઈ માર્ગો પણ પ્રભાવિત થયા છે, જેના કારણે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. અત્યારે સમગ્ર મધ્ય પૂર્વ એક સળગતા જ્વાળામુખી પર બેઠેલું જણાય છે, જ્યાં શાંતિની આશા ઓછી અને વિનાશની સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે. ભારતીય નાગરિકોને સતત દૂતાવાસના સંપર્કમાં રહેવા અને અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
