<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

કાશ્મીર ખીણમાં આક્રોશની જ્વાળા: આયાતુલ્લાહ ખામેનીના નિધન બાદ શ્રીનગર-બડગામમાં હિંસક દેખાવો, સેના અને પ્રદર્શનકારીઓ સામસામે

ઈરાની નેતાના મોતથી કાશ્મીરમાં માતમ અને રોષનો માહોલ; પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળોની નાકાબંધી તોડી, ઠેર-ઠેર આગજનીની ઘટનાઓ વચ્ચે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શાંતિ જાળવવા કરી કરબદ્ધ અપીલ - ભારત સરકાર સાથે મળીને ઈરાનમાં ફસાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એક્શન પ્લાન તૈયાર

શ્રીનગર: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના આકસ્મિક નિધન અને તેના પગલે સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર અત્યારે જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળી રહી છે. ખામેનીના મોતના સમાચાર મળતા જ કાશ્મીર ખીણના અનેક જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. શ્રીનગર અને બડગામ જેવા વિસ્તારોમાં સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. પ્રદર્શનકારીઓએ ઠેર-ઠેર સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો, જે દરમિયાન સુરક્ષા દળો સાથે ઘર્ષણ થતા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા. લોકોએ રસ્તાઓ પર કરવામાં આવેલી નાકાબંધી હટાવી દીધી હતી અને રોષે ભરાયેલા ટોળાએ અનેક જગ્યાએ આગજની કરતા સમગ્ર ખીણમાં સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર મૂકાઈ છે.

કાશ્મીરમાં વણસતી જતી પરિસ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ભાવુક પોસ્ટ કરીને જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે, "ઈરાનમાં સર્જાયેલી આ ગંભીર ઘટના અને આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાથી હું અત્યંત ચિંતિત છું. હું તમામ સમુદાયોને વિનંતી કરું છું કે તેઓ સંયમ જાળવે અને એવી કોઈ પણ પ્રવૃત્તિ ન કરે જેનાથી તણાવ વધે." મુખ્યમંત્રીએ વહીવટીતંત્ર અને પોલીસને પણ સૂચના આપી છે કે શોક વ્યક્ત કરી રહેલા લોકો પર બળપ્રયોગ કરવાનું ટાળવું જોઈએ અને લોકશાહી ઢબે તેમને શાંતિપૂર્વક પોતાની સંવેદના વ્યક્ત કરવા દેવી જોઈએ.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર સરકાર અત્યારે ઈરાનમાં અભ્યાસ કરતા અને વ્યવસાય અર્થે ગયેલા કાશ્મીરી નાગરિકો તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સતત વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. ભારત સરકાર સાથે મળીને ઈરાનમાં ફસાયેલા રાજ્યના રહેવાસીઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં પ્રદર્શનકારીઓના મોટા જથ્થાને કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી, જેને પગલે પોલીસે અનેક માર્ગો ડાયવર્ટ કરવા પડ્યા હતા. કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ કુમક તૈનાત કરવામાં આવી છે જેથી સ્થિતિ કાબૂ બહાર ન જાય.

વૈશ્વિક સ્તરે સર્જાયેલા આ રાજકીય ભૂકંપની અસર કાશ્મીરી સમાજ પર ઊંડી પડી છે. શ્રીનગર અને બડગામમાં હજારો લોકોએ કૂચ કાઢીને ઈરાનના સર્વોચ્ચ નેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જોકે, આ દરમિયાન કેટલીક જગ્યાએ સુરક્ષા દળો પર પથ્થરમારો અને નાકાબંધી તોડવાના પ્રયાસો થતા વાતાવરણ ડહોળાયું હતું. વહીવટીતંત્રે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા વારંવાર અપીલ કરી છે. હાલમાં કાશ્મીર ખીણના મુખ્ય બજારો અને રસ્તાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે, પરંતુ અંદરખાને પ્રવર્તી રહેલો આક્રોશ તંત્ર માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે.

(2:19 PM IST)