<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

પશ્ચિમ એશિયામાં મહાયુદ્ધના ભણકારા: સુપ્રીમ લીડર ખામેનીના નિધન બાદ ઈરાને અમેરિકા-ઈઝરાયેલ સામે છેડ્યું ‘લોહીનું જંગ’

તેહરાનમાં ભયાનક વિસ્ફોટો અને ઈરાની મસ્જિદ પર ‘લાલ ધ્વજ’ ફરકાવાતા મધ્ય-પૂર્વમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ; દુબઈ-કુવૈત સહિતના દેશો પર મિસાઈલ વર્ષા અને ભારતીય એરલાઈન્સની 400થી વધુ ફ્લાઈટ્સ રદ થતા વૈશ્વિક હાહાકાર

તેહરાન/સુરત:પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચી ગઈ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનું અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં મોત થયાની પુષ્ટિ ઈરાની સ્ટેટ મીડિયાએ કરી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ સમગ્ર ઈરાનમાં રોષ ફાટી નીકળ્યો છે અને ઈરાનની પવિત્ર જામકરન મસ્જિદ પર બદલાનું પ્રતીક ગણાતો ‘લાલ ધ્વજ’ ફરકાવી દેવામાં આવ્યો છે. ઈરાની સૈન્યએ આ ઘટનાને ઇસ્લામિક ક્રાંતિના નેતાની ‘શહાદત’ ગણાવી અમેરિકા અને ઈઝરાયેલ પાસેથી ભયાનક બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે, જેના પગલે પશ્ચિમ એશિયાના આકાશમાં અત્યારે મિસાઈલો અને ડ્રોનનો જમાવડો જોવા મળી રહ્યો છે.

ખામેનીના નિધન બાદ ઈરાને વળતો પ્રહાર કરતા ઈઝરાયેલના તેલ અવીવ અને જેરુસલેમ સહિત યુએઈના દુબઈ અને ઓમાનના બંદરો પર 137 મિસાઈલો અને 200થી વધુ ડ્રોન દ્વારા હુમલો કર્યો છે. ઈઝરાયેલમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે, જ્યારે દુબઈમાં ડ્રોનનો કાટમાળ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ પર કડક વલણ અપનાવતા ઈરાનને ચેતવણી આપી છે કે જો હુમલા બંધ નહીં થાય તો ઈરાન પર અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલા કરવામાં આવશે. બીજી તરફ, ઈરાનમાં વચગાળાની નેતૃત્વ પરિષદની રચના કરવામાં આવી છે અને ખામેનીના પુત્ર મોજતબા ખામેનીને નવા સર્વોચ્ચ નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

આ મહાયુદ્ધની સીધી અસર આંતરરાષ્ટ્રીય પરિવહન અને શિક્ષણ ક્ષેત્રે પણ જોવા મળી છે. ઈરાનમાં છેલ્લા 24 કલાકથી ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ કરી દેવામાં આવી છે અને દેશમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. ભારત સરકાર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સુરક્ષાના કારણોસર મધ્ય પૂર્વ તરફ જતી અંદાજે 410 ફ્લાઈટ્સ રદ કરી દીધી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયા જેવી કંપનીઓએ 28 માર્ચ સુધી અનેક આંતરરાષ્ટ્રીય રૂટ્સ સ્થગિત રાખવાની જાહેરાત કરી છે, જે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્ર માટે મોટો ફટકો માનવામાં આવે છે.

યુદ્ધના આ સંકટ વચ્ચે સીબીએસઈ (CBSE) બોર્ડ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાડી દેશોમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને 2 માર્ચ, 2026ના રોજ યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આ વિસ્તારોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે નવી તારીખોની જાહેરાત આગામી દિવસોમાં પરિસ્થિતિની સમીક્ષા બાદ કરવામાં આવશે. હાલમાં તેહરાન, ઈસ્ફહાન અને મશહદ જેવા શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિશ્વ આખું અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત નીચે જીવી રહ્યું હોય તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે.

(2:50 PM IST)