News of Sunday, 1st March 2026
સરહદ પર પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત: પુંછ સેક્ટરમાં ઘૂસેલા પાકિસ્તાની ડ્રોન પર ભારતીય સેનાનો તોતિંગ પ્રહાર
LoC પર ડિગવાર સેક્ટરમાં વહેલી સવારે ‘ડ્રોન વોર’ જેવી સ્થિતિ; સતર્ક જવાનોએ એક ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરતા પાકિસ્તાની ડ્રોન પૂંછડી દબાવી PoK તરફ ભાગ્યું, સરહદી વિસ્તારોમાં સેનાનું મેગા સર્ચ ઓપરેશન

પુંછ/જમ્મુ:જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન પોતાની કાયરતાપૂર્ણ હરકતોમાંથી ઊંચું આવતું નથી. રવિવારે વહેલી સવારે પુંછ જિલ્લાના ડિગવાર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલું એક શંકાસ્પદ ડ્રોન ભારતીય વાયુસીમામાં ઘૂસણખોરી કરતું ઝડપાયું હતું. જોકે, સરહદ પર લોખંડી પહરો દઈ રહેલા ભારતીય સેનાના જવાનોએ પળવારનો પણ વિલંબ કર્યા વગર આ ડ્રોન પર આકરો પ્રહાર કર્યો હતો. ભારતીય જવાનોની આક્રમકતા જોઈ પાકિસ્તાનનું આ ડ્રોન તેના નાપાક મનસૂબામાં નિષ્ફળ રહીને પરત ભાગી જવા મજબૂર બન્યું હતું.
સૈન્ય સૂત્રો પાસેથી મળતી સત્તાવાર વિગતો મુજબ, સવારે આશરે 6:10 કલાકે જ્યારે આખું સરહદી ક્ષેત્ર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું હતું, ત્યારે આકાશમાં મંડરાતા ડ્રોનનો ગુંજારો સંભળાયો હતો. ડ્રોન ભારતીય સીમામાં દાખલ થતાની સાથે જ સેનાએ તેના પર એક ડઝનથી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સેનાના આચનક થયેલા વળતા પ્રહારથી પાકિસ્તાની ઓપરેટરોમાં ફફડાટ ફેલાયો હતો અને ડ્રોન હવામાં જ ફંગોળાઈને ત્વરિત ગતિએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ની સરહદમાં પરત જતું રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 72 કલાકમાં આ બીજી ઘટના છે જે પાકિસ્તાનની વધતી જતી છટપટાહટ દર્શાવે છે.
આ ડ્રોન ઘૂસણખોરીના પ્રયાસ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સામાન્ય રીતે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા આવા ડ્રોનનો ઉપયોગ ભારતીય સરહદમાં હથિયારો, આઈઈડી (IED) અથવા નશીલા પદાર્થોની ખેપ ઉતારવા માટે કરવામાં આવે છે. આ આશંકાને પગલે ભારતીય સુરક્ષા દળોએ પુંછના ડિગવાર અને તેને અડીને આવેલા ગીચ જંગલ વિસ્તારોમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સેનાના મેટલ ડિટેક્ટર્સ અને સ્નિફર ડોગ્સની મદદથી દરેક ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે જેથી ડ્રોન દ્વારા કોઈ વિસ્ફોટક સામગ્રી ફેંકવામાં આવી હોય તો તેને શોધી શકાય.
વર્તમાન સંજોગોમાં પાકિસ્તાન આર્થિક પાયમાલી અને અફઘાનિસ્તાન સરહદે ચાલી રહેલા સંઘર્ષને કારણે બેકફૂટ પર છે, તેમ છતાં તે ભારત વિરુદ્ધ છૂપો જંગ ખેલવાનું છોડતું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે આવી ડ્રોન પ્રવૃત્તિઓ આગમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. જોકે, ભારતીય સૈન્યની સતર્કતા અને અત્યાધુનિક એન્ટી-ડ્રોન ટેકનોલોજીના કારણે પાકિસ્તાનનું દરેક ષડયંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. હાલમાં સમગ્ર એલઓસી પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
