<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

કરાચીમાં અમેરિકી દૂતાવાસ પર હિંસક હુમલો: ઈરાનના નેતાના મોત બાદ ફાટી નીકળેલા આક્રોશમાં 10 પ્રદર્શનકારીઓના મોત

MT ખાન રોડ રણમેદાનમાં ફેરવાયો; અમેરિકી કોન્સ્યુલેટમાં ઘૂસવાનો પ્રયાસ કરતા ભીડ પર પોલીસ અને સેનાનું અંધાધૂંધ ફાયરિંગ, 30 થી વધુ ઘાયલ થતા પાકિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

કરાચી:પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના મોતના અહેવાલોએ પાકિસ્તાનમાં હિંસાની જ્વાળાઓ ભડકાવી છે. કરાચીમાં આવેલા અમેરિકન કોન્સ્યુલેટ પર હજારોની સંખ્યામાં ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ હિંસક હુમલો કરતા સમગ્ર વિસ્તાર લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો હતો. આ ભીષણ અથડામણમાં અત્યાર સુધીમાં 10 પ્રદર્શનકારીઓના મોત થયાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ખામેનીની હત્યાના વિરોધમાં પાકિસ્તાની જનતામાં ફાટી નીકળેલો આ આક્રોશ હવે બેકાબૂ બની રહ્યો છે.

ઘટનાની વિગતો મુજબ, કરાચીના વ્યસ્ત એવા MT ખાન રોડ પર સ્થિત અમેરિકી કોન્સ્યુલેટ તરફ આક્રોશિત ભીડ ધસી આવી હતી. પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ તોડીને દૂતાવાસની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતા સુરક્ષામાં તૈનાત અમેરિકી મરીન્સ અને પાકિસ્તાની પોલીસ સાથે સીધી અથડામણ થઈ હતી. સ્થિતિ કાબૂ બહાર જતી જોઈને સુરક્ષા દળોએ પહેલા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા, પરંતુ ભીડ દ્વારા પથ્થરમારો અને તોડફોડ ચાલુ રહેતા અંતે ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ ગોળીબારમાં અનેક લોકોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.

અત્યાર સુધીમાં 30 થી વધુ ઘાયલોને કરાચીની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી અનેકની હાલત અત્યંત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ વચ્ચે હોસ્પિટલની બહાર પણ લોકોના ટોળા ઉમટ્યા છે અને અમેરિકા તેમજ ઈઝરાયેલ વિરોધી ઉગ્ર નારાબાજી કરવામાં આવી રહી છે. ઈસ્લામિક નેતાઓની સુરક્ષા અને અમેરિકાના હસ્તક્ષેપ વિરુદ્ધના આ દેખાવોને પગલે કરાચીમાં કડક કરફ્યુ જેવી સ્થિતિ લાદી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકાર માટે આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી સંકટ ઊભું કરી શકે તેમ છે.

ખામેનીના મોત બાદ મુસ્લિમ જગતમાં જન્મેલી અમેરિકા વિરોધી લહેરની અસર પાકિસ્તાન ઉપરાંત અન્ય ઈસ્લામિક દેશોમાં પણ જોવા મળી રહી છે. કરાચીમાં થયેલી આ હિંસાએ સાબિત કર્યું છે કે પશ્ચિમ એશિયામાં લાગેલી યુદ્ધની આગ હવે પાડોશી દેશોની સરહદો વટાવી ચૂકી છે. અમેરિકી દૂતાવાસ પરના આ હુમલા બાદ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે. આગામી કલાકોમાં જો સ્થિતિ શાંત નહીં થાય તો કરાચી સહિત અનેક શહેરોમાં મોટા પાયે હિંસા ફાટી નીકળવાની દહેશત સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

(3:38 PM IST)