News of Sunday, 1st March 2026
તેહરાન પર ‘મહાપ્રલય’: 1200 બોમ્બ અને 200 ફાઈટર જેટ્સ સાથે અમેરિકા-ઈઝરાયેલનું ‘મિશન ખામેનેઈ’ સફળ, ઈરાન પાયમાલ
‘ઓપરેશન રોરિંગ લાયન’ અને ‘એપિક ફ્યુરી’ અંતર્ગત ઈરાનના 500 સૈન્ય ઠેકાણાઓ રાખમાં ફેરવાયા; બંકર-બસ્ટર બોમ્બ અને સ્ટેલ્થ ફાઈટર જેટ્સે ઈરાનની ‘અભેદ્ય’ એર ડિફેન્સ સિસ્ટમના ફૂરચા ઉડાવ્યા

તેહરાન/વોશિંગ્ટન:28 ફેબ્રુઆરી 2026ની એ કાળી રાત્રિ ઈરાન માટે વિનાશક સાબિત થઈ છે. અમેરિકા અને ઈઝરાયેલના અત્યાધુનિક સૈન્ય ગઠબંધને ઈરાન વિરુદ્ધ ઈતિહાસનું સૌથી મોટું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. ઈઝરાયેલના ‘ઓપરેશન રોરિંગ લાયન’ અને અમેરિકાના ‘ઓપરેશન એપિક ફ્યુરી’એ ગણતરીના કલાકોમાં તેહરાન, ઈસ્ફહાન અને શિરાજ જેવા મુખ્ય શહેરોને રણમેદાનમાં ફેરવી દીધા હતા. આ હુમલામાં ઈરાની શાસન વ્યવસ્થાના કેન્દ્ર સમાન સૈન્ય મથકો, પરમાણુ મથકો અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના મિસાઈલ નેટવર્ક પર 1200 જેટલા બોમ્બનો મારો ચલાવીને 500 થી વધુ વ્યૂહાત્મક લક્ષ્યોને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે.
આ મિશનની સફળતા પાછળ ઈઝરાયેલના 200 ફાઈટર વિમાનો અને અમેરિકાની અત્યાધુનિક મિસાઈલ ટેકનોલોજીનો મુખ્ય હાથ રહ્યો છે. ઈઝરાયેલના F-35I ‘અદિર’ સ્ટેલ્થ ફાઈટર જેટ્સે દુશ્મનના રડારની નજરમાં આવ્યા વગર ઈરાની વાયુસીમામાં ઘૂસીને ચોકસાઈપૂર્વક હુમલા કર્યા હતા. જ્યારે અમેરિકન નેવીની ‘ટોમાહૉક’ ક્રૂઝ મિસાઈલોએ દરિયામાંથી 1600 કિમી દૂર તેહરાનના હાઈ-વેલ્યુ ટાર્ગેટ્સ પર ત્રાટકીને પાયમાલી સર્જી હતી. આ મિસાઈલો જમીનથી માત્ર 30-50 મીટરની ઊંચાઈએ ઉડતી હોવાથી ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ હતી.
હુમલામાં સૌથી વધુ વિનાશ ‘બંકર-બસ્ટર’ બોમ્બ દ્વારા જોવા મળ્યો છે. GBU-28 નામના 2268 કિલોના આ લેસર ગાઈડેડ બોમ્બે જમીનની નીચે કિલ્લા સમાન બનેલા ઈરાનના પરમાણુ અને કમાન્ડ સેન્ટરોને ચીરીને અંદર વિસ્ફોટ કર્યો હતો. તેની સાથે જ ‘સ્પાઈસ’ અને ‘JDAM’ જેવા સ્માર્ટ બોમ્બે જીપીએસ જામિંગની સ્થિતિમાં પણ સચોટ લક્ષ્યભેદ કર્યો હતો. ઈઝરાયેલ નિર્મિત ‘રેમ્પેજ’ અને ‘ડેલિલા’ મિસાઈલોએ એર ડિફેન્સની રેન્જની બહાર રહીને ઈરાની લશ્કરી છાવણીઓના ફૂરચા ઉડાવી દીધા હતા, જેના કારણે ઈરાની સૈન્યને વળતો જવાબ આપવાની તક પણ મળી નહોતી.
આ ઓપરેશન દરમિયાન આકાશમાં ‘હેરોન’ અને ‘એતાન’ જેવા આર્મડ ડ્રોન્સ સતત જાસૂસી કરી રહ્યા હતા, જેણે ગ્રાઉન્ડ લેવલ પરની દરેક હલચલની માહિતી કમાન્ડ સેન્ટરને પહોંચાડી હતી. આ હુમલાએ માત્ર સૈન્ય શક્તિ જ નહીં, પરંતુ પશ્ચિમી દેશોની શ્રેષ્ઠ જાસૂસી અને ટેકનોલોજીકલ પકડનું પણ પ્રદર્શન કર્યું છે. સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના અહેવાલો બાદ ઈરાન અત્યારે નેતૃત્વ વિહોણું અને પાયમાલ થઈ ચૂક્યું છે. સમગ્ર વિશ્વ હવે આ યુદ્ધની આંતરરાષ્ટ્રીય સ્તરે પડનારી અસરો અને ઈરાનના સંભવિત પલટવારની આશંકા વચ્ચે અત્યંત ચિંતિત જોવા મળી રહ્યું છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
