<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

મિડલ ઈસ્ટમાં લોહિયાળ રવિવાર: દુબઈના આલીશાન બંદરોથી તેલ અવીવની ગગનચુંબી ઈમારતો સુધી ઈરાની મિસાઈલોનો તાંડવ

દુબઈની ‘ફેરમોન્ટ ધ પામ’ હોટલ અને જેબેલ અલી બંદર પર વિસ્ફોટોના ધણધણાટી; જેરુસલેમમાં એર ડિફેન્સ મિસાઈલોના આકાશી લિસોટા અને ઈરાનની કન્યા શાળાઓ પર બોમ્બમારાના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા

દુબઈ/તેહરાન:પશ્ચિમ એશિયામાં ૨૮ ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ શરૂ થયેલું યુદ્ધ હવે રવિવારે વધુ વિનાશક બન્યું છે. અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં સુપ્રીમ લીડરના મોત બાદ ઈરાને શરૂ કરેલા ‘બદલાની આગ’માં ખાડી દેશો હોમાઈ રહ્યા છે. સંયુક્ત આરબ અમીરાતનું ગૌરવ ગણાતા દુબઈમાં ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. રવિવારે વહેલી સવારે દુબઈની જગવિખ્યાત ‘ફેરમોન્ટ ધ પામ’ હોટલ પર થયેલા મિસાઈલ હુમલા બાદ ફાયર ફાઈટરો અને બચાવ કાર્યકરો કાટમાળ ખસેડતા જોવા મળ્યા હતા. શહેરની આકાશરેખા પર આખી રાત અગનગોળા અને રોકેટ ઈન્ટરસેપ્શનના તેજસ્વી ઝબકારા દેખાતા રહ્યા, જેના કારણે વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા આ પર્યટન હબમાં અત્યારે સન્નાટો વ્યાપી ગયો છે.

ઈરાને માત્ર સૈન્ય ઠેકાણાઓ જ નહીં, પરંતુ આર્થિક હબ ગણાતા જેબેલ અલી બંદર (Jebel Ali Port) પર પણ મિસાઈલો છોડી છે. સેટેલાઇટ તસવીરો અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સ મુજબ, જેબેલ અલી બંદર પરથી ધુમાડાના કાળા ગોટેગોટા નીકળી રહ્યા છે, જેની વચ્ચેથી પસાર થતી લક્ઝુરિયસ યાટ યુદ્ધની ગંભીરતા દર્શાવે છે. માત્ર દુબઈ જ નહીં, પરંતુ બહેરીનની રાજધાની મનામાના પોશ વિસ્તાર ગણાતા ‘સીફ ડિસ્ટ્રિક્ટ’માં પણ ડ્રોન હુમલાને કારણે બહુમાળી ઈમારતો સળગી ઉઠી હતી. ખાડીના ધનાઢ્ય શહેરોમાં વારંવાર થતા વિસ્ફોટોને કારણે સ્થાનિક રહેવાસીઓ બંકરોમાં આશરો લેવા મજબૂર બન્યા છે.

બીજી તરફ, ઈરાનની ધરતી પર પણ વિનાશના દ્રશ્યો કાળજું કંપાવનારા છે. દક્ષિણ ઈરાની પ્રાંત હોર્મોઝગનના મીનાબમાં એક કન્યા શાળા પર થયેલા બોમ્બમારા બાદ રાહત કાર્યકરો રબરના ઢગલામાંથી માસૂમ બાળકોને શોધી રહ્યા છે. તેહરાનના રહેણાંક વિસ્તારોમાં પણ મિસાઈલ હુમલા બાદ લક્ઝુરિયસ વાહનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. દક્ષિણ ઈરાનના કોનારાક નૌકાદળ બેઝ પરથી નીકળતો જાડો કાળો ધુમાડો સેટેલાઇટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જે સૂચવે છે કે ઈઝરાયેલ-અમેરિકાના પ્રહારમાં ઈરાનની નૌકા શક્તિને મોટું નુકસાન પહોંચ્યું છે.

ઇઝરાયેલની વાત કરીએ તો, જેરુસલેમ અને તેલ અવીવ પર પણ મિસાઈલોનો વરસાદ થયો છે. શનિવાર રાત્રે જેરુસલેમના આકાશમાં એર ડિફેન્સ મિસાઈલો અને ઈરાની રોકેટો વચ્ચેના ટકરાવના લિસોટા જોવા મળ્યા હતા. ઈઝરાયેલની આયર્ન ડોમ અને અન્ય સંરક્ષણ પ્રણાલીઓ સતત કાર્યરત છે, તેમ છતાં અનેક સ્થળોએ મિસાઈલો ત્રાટકતા જાનમાલનું નુકસાન થયું છે. આ વૈશ્વિક તણાવ વચ્ચે હવે દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને જો આ મિસાઈલ હુમલાઓ નહીં અટકે તો આગામી 24 કલાકમાં તેલના ભાવો અને વૈશ્વિક પરિવહન પર તેની અકલ્પનીય અસર જોવા મળશે.

(4:00 PM IST)