<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

અમેઠીમાં શોકનું મોજું: આયાતુલ્લાહ ખામેનીના નિધનથી શિયા સમુદાય રસ્તા પર ઉતર્યો

ઈરાનના સર્વોચ્ચ નેતાના મોતના સમાચારથી ઉત્તર પ્રદેશના અમેઠીમાં ભારે આક્રોશ: અમેરિકા અને ઈઝરાયેલ સામે રોષ વ્યક્ત કરી વેપાર-ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યા

અમેઠી:  ઉત્તર પ્રદેશના અમેઠીમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર જિલ્લામાં તંગદિલી અને શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આ સમાચાર મળતાની સાથે જ શિયા સમુદાયના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શિયા ધર્મગુરુ મૌલાના જીશાન હૈદર અલીએ આ ઘટનાને સમગ્ર ઈસ્લામિક જગત માટે મોટી ખોટ ગણાવી સમુદાય વતી ૪૦ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે. વિરોધના પ્રતીક રૂપે શિયા બહુલ વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો, ઓફિસો અને તમામ વ્યાપારિક સંસ્થાઓ બંધ રાખીને આ હુમલાને અમેરિકા અને ઈઝરાયેલનું કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવી તેનો સખત બહિષ્કાર કર્યો છે.

આ ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં એટલી હદે આક્રોશ છે કે લોકોએ દૈનિક કામકાજથી અલિપ્ત રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહીશ વકાર અલી ઝૈદીએ જણાવ્યું હતું કે, આ શહાદત એ સત્ય અને ન્યાય માટેનો બલિદાન છે જે ક્યારેય વ્યર્થ જશે નહીં. મૌલાના જીશાને ઐતિહાસિક સંદર્ભો આપતા ભાવુક થઈને કહ્યું કે, છેલ્લા ૧૯૦૦ વર્ષોથી જ્યારે પણ કોઈ ન્યાય માટે અવાજ ઉઠાવે છે, ત્યારે તેને દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે. શિયા સમુદાયનું માનવું છે કે આ હુમલો માત્ર એક નેતા પર નથી, પરંતુ એક વિચારધારા પર છે, અને ખામેનીના વિચારો હંમેશા જીવંત રહેશે.

પ્રદર્શન દરમિયાન અમેઠીના રસ્તાઓ પર અત્યંત ભાવનાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં વૃદ્ધોથી લઈને યુવાનો સુધીના તમામ લોકોની આંખોમાં આંસુ અને હૃદયમાં અન્યાય સામેનો ગુસ્સો હતો. મૌલાનાએ પોતાના સંબોધનમાં સંકલ્પ કર્યો હતો કે ઈરાન અને ઈસ્લામનો દરેક શખ્સ પોતાના અસ્તિત્વના બચાવ માટે અંતિમ શ્વાસ સુધી લડશે. જિલ્લાના શિયા બહુલ વિસ્તારોમાં વાતાવરણ ઉદાસ અને ગંભીર હોવાથી વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે. શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

(4:49 PM IST)