News of Sunday, 1st March 2026
ટાટાનો રફ્તાર: હ્યુન્ડાઇ અને મહિન્દ્રાને પછાડી ટાટા મોટર્સ બની ભારતની નંબર 2 કાર કંપની!
ફેબ્રુઆરી ૨૦૨૬માં ૬૩,૩૩૧ કારના વેચાણ સાથે ટાટાએ નોંધાવ્યો ૩૫%નો મજબૂત ઉછાળો : ઈલેક્ટ્રિક વાહનો અને નવા પેટ્રોલ મોડલ્સના દમ પર મારુતિ સુઝુકી પછી દેશની સૌથી મોટી બીજી ઓટોમેકર કંપની તરીકે ઉભરી આવી

મુંબઈ: ભારતીય રસ્તાઓ પર અત્યારે ટાટા મોટર્સનો સિક્કો જામી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૬ના વેચાણના આંકડાઓએ ઓટોમોબાઈલ માર્કેટમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. ટાટા મોટર્સે હ્યુન્ડાઇ અને મહિન્દ્રા જેવી દિગ્ગજ કંપનીઓને પાછળ છોડીને વેચાણમાં બીજું સ્થાન કબજે કર્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જે વેચાણ ૪૬,૮૧૧ યુનિટ હતું, તે આ વર્ષે વધીને ૬૩,૩૩૧ યુનિટ પર પહોંચી ગયું છે. આ ૩૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો હવે ટાટાની મજબૂત બિલ્ડ ક્વોલિટી અને અત્યાધુનિક સેફ્ટી ફીચર્સ પર વધુ ભરોસો મૂકી રહ્યા છે. મારુતિ સુઝુકી હજુ પણ ૧.૬૪ લાખ યુનિટ સાથે પ્રથમ ક્રમે છે, પરંતુ ટાટાએ જે ઝડપથી બીજા સ્થાને પકડ જમાવી છે તે કાબિલ-એ-તારીફ છે.
ટાટાની આ સફળતા પાછળ તેના નવા લોન્ચ થયેલા મોડલ્સનો મોટો હાથ છે. કંપનીએ તાજેતરમાં હેરિયર અને સફારીના પેટ્રોલ વેરિઅન્ટ્સ તેમજ પંચના ફેસલિફ્ટ મોડલ સાથે બજારમાં ધૂમ મચાવી છે. ખાસ કરીને ટાટા સીએરાની એન્ટ્રીએ ગ્રાહકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. આક્રમક માર્કેટિંગ અને ગ્રાહકોની જરૂરિયાત મુજબના ફેરફારોને કારણે ટાટાએ સ્થાનિક બજારમાં ૬૨,૩૨૯ યુનિટ્સ વેચ્યા છે, જેની સામે મહિન્દ્રા ૬૦,૦૧૮ યુનિટ સાથે ત્રીજા અને હ્યુન્ડાઇ ૫૨,૪૦૭ યુનિટ સાથે ચોથા ક્રમે ફેંકાઈ ગઈ છે. માત્ર દેશમાં જ નહીં, પરંતુ નિકાસ (એક્સપોર્ટ)ના ક્ષેત્રમાં પણ ટાટાએ ૧૬૭ ટકાનો તોતિંગ વધારો નોંધાવીને વિદેશી બજારોમાં પણ પોતાની તાકાત બતાવી છે.
ઈલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં તો ટાટા મોટર્સ એકહથ્થુ શાસન કરી રહી છે. ફેબ્રુઆરીમાં કંપનીએ ૮,૩૮૫ ઈલેક્ટ્રિક કાર વેચીને ઈવી માર્કેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ ૫૭ ટકાનો વધારો સૂચવે છે. પંચ EV અને ટાટાની અન્ય ઈલેક્ટ્રિક કારોએ મધ્યમ વર્ગના પરિવારો માટે ગ્રીન મોબિલિટીને એક સરળ વિકલ્પ બનાવી દીધો છે. ટાટાની આ જીત માત્ર આંકડાઓની નથી, પરંતુ ગ્રાહકોના બદલાતા અભિગમની છે, જ્યાં હવે બ્રાન્ડ વેલ્યુની સાથે સાથે સુરક્ષા અને ટેકનોલોજીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
