News of Sunday, 1st March 2026
"માત્ર 5 કરોડ માટે હું કોઈના પગે નહીં પડું": ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવનો ચોંકાવનારો ઘટસ્ફોટ!
વર્ષોના મૌન બાદ રાજપાલ યાદવે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ખોલી દિલની વાત : 9 કરોડની લોન કેવી રીતે 'અહંકારની લડાઈ' બની ગઈ અને જેલવાસ દરમિયાન કયા સંજોગોનો સામનો કરવો પડ્યો તેની માંડીને કરી વાત

મુંબઈ: પોતાની કોમેડીથી કરોડો લોકોને હસાવનાર અભિનેતા રાજપાલ યાદવ અત્યારે અસલી જીવનમાં એક ગંભીર કાયદાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં રાજપાલે તેમના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ અંગે મૌન તોડ્યું હતું. અત્યંત ભાવુક થઈને તેમણે જણાવ્યું કે, આ લડાઈ હવે માત્ર પૈસાની નથી રહી પરંતુ 'ઇગો' એટલે કે અહંકારની લડાઈ બની ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જે વ્યક્તિ પાસેથી તેમણે લોન લીધી હતી, તે ઈચ્છે છે કે રાજપાલ 5 કરોડ રૂપિયા માટે તેમના પગે પડે. રાજપાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે વ્યક્તિ પૈસાનો નહીં પણ આદરનો ભૂખ્યો છે, પરંતુ સ્વાભિમાનના ભોગે તે ઝૂકવા તૈયાર નથી.
આ વિવાદની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી જ્યારે રાજપાલે પોતાની ફિલ્મ 'આતા પતા લપતા' બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. રાજપાલના જણાવ્યા અનુસાર, તેમણે દિલ્હીના લક્ષ્મી નગરમાં આવેલી ઓફિસમાં કાગળો વાંચ્યા વગર જ વિશ્વાસમાં આવીને સહી કરી દીધી હતી, જે તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ અને માત્ર 1 કરોડની કમાણી કરી શકી, જેના કારણે તે લોન ચૂકવી શક્યા નહીં. અભિનેતાએ સ્વીકાર્યું કે તે સમયે તેમની પાસે કોઈ વકીલ નહોતો અને તેમણે આ વ્યવહારને એક 'પારિવારિક મામલો' માનીને ચલાવ્યો હતો, જે અંતે કોર્ટની સીડીઓ સુધી પહોંચી ગયો.
રાજપાલ યાદવ હાલમાં 1.5 કરોડ રૂપિયાના જામીન પર તિહાર જેલની બહાર છે, પરંતુ આ કેસની તલવાર હજુ પણ તેમના માથા પર લટકી રહી છે. કોન્ફરન્સ દરમિયાન તેમના વકીલ ભાસ્કર ઉપાધ્યાયે પણ ટાપસી પુરાવતા કહ્યું કે, અજાણ્યા માણસ પર આંધળો વિશ્વાસ કરવો એ રાજપાલની મોટી ભૂલ હતી. હવે આ કેસની આગામી સુનાવણી 18 માર્ચના રોજ થવાની છે, જેના પર આખા બોલિવૂડની નજર છે. અભિનેતાએ તેની નવી યુટ્યુબ ચેનલ દ્વારા 'ન્યૂ ઇનિંગ્સ'ની પણ જાહેરાત કરી છે, જે દર્શાવે છે કે તેઓ મુશ્કેલીઓ છતાં ફરીથી બેઠા થવા માટે મક્કમ છે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
