News of Sunday, 1st March 2026
પુતિનનો હુંકાર: "ખામેનીની હત્યા અસ્વીકાર્ય છે" : ઈરાને મસ્જિદ પર લાલ ધ્વજ ફરકાવી યુદ્ધના નગારા વગાડ્યા!
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકા-ઈઝરાયેલના હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું

મોસ્કો: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અત્યંત આકરો પ્રતિભાવ આપીને પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે. પુતિને આ ઘટનાને 'ભયાનક હત્યા' ગણાવીને કહ્યું છે કે માનવ નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું આ ખુલ્લેઆમ ઉલ્લંઘન છે, જે રશિયા માટે ક્યારેય સ્વીકાર્ય રહેશે નહીં. રશિયાના આ વલણથી હવે મધ્ય પૂર્વનો જંગ માત્ર પ્રાદેશિક રહ્યો નથી, પરંતુ તેમાં મહાસત્તાઓની એન્ટ્રી થતા મામલો ગંભીર બન્યો છે. દરમિયાન, ઈરાનમાં જામકરણ મસ્જિદ પર 'લોહીનો બદલો લોહી'ના પ્રતીક સમાન લાલ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે ઈરાન હવે અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ ભયાનક વળતો પ્રહાર કરવાની તૈયારી કરી ચૂક્યું છે.
યુદ્ધની જ્વાળાઓ હવે સમુદ્રમાં પણ ફેલાઈ રહી છે, જ્યાં ઓમાનના દરિયાકાંઠે ૧૫ ભારતીયો સહિત ૨૦ ક્રૂ મેમ્બર્સ ધરાવતા એક ઓઈલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. સદનસીબે તમામ ભારતીયો સુરક્ષિત છે, પરંતુ આ હુમલાએ આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો પર મોટું જોખમ ઉભું કર્યું છે. ઈરાને મધ્ય પૂર્વમાં આવેલા યુએસ મિલિટરી બેઝ પર મિસાઈલ અને ડ્રોનનો વરસાદ શરૂ કરી દીધો છે, જેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ કડક ચેતવણી આપી છે કે જો ઈરાન હુમલા વધારશે તો તેનો અંજામ અત્યંત માઠો આવશે. બીજી તરફ, ઈરાનના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે દાવો કર્યો છે કે તેમનો દેશ કોઈપણ પ્રકારના વિનાશક યુદ્ધ માટે સંપૂર્ણ સજ્જ છે અને અમેરિકાને ક્યારેય ન ભૂલાય તેવો સબક શીખવવામાં આવશે.
આ આક્રોશની અસર પાકિસ્તાન સુધી પણ જોવા મળી છે, જ્યાં કરાચીમાં ઉશ્કેરાયેલા ટોળાએ અમેરિકા વિરુદ્ધ પ્રદર્શન કરતા યુએસ કોન્સ્યુલેટમાં ઘૂસીને આગ લગાવી દીધી હતી. સમગ્ર વિશ્વમાં શિયા સમુદાય રસ્તાઓ પર ઉતરીને ખામેનીના મૃત્યુનો વિરોધ કરી રહ્યો છે અને ઈરાકે પણ આ ઘટનાના માનમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. કતાર અને યુએઈમાં સંભળાયેલા જોરદાર વિસ્ફોટો અને સતત રદ થઈ રહેલી ફ્લાઈટ્સ સૂચવે છે કે મધ્ય પૂર્વ અત્યારે બારૂદના ઢગલા પર બેઠું છે. ઈરાની નેતા અલી લારીજાનીએ સ્પષ્ટ કર્યું છે કે હવે વાટાઘાટોનો સમય પૂરો થઈ ગયો છે અને ઈઝરાયેલ-અમેરિકાએ પોતાના કૃત્યોની કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
