<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઈરાન સંકટની આગમાં શેકાતો ભારતનો ચોખા ઉદ્યોગ: શિપમેન્ટ ઠપ્પ : કરોડોના પેમેન્ટ ફસાયા

મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા અને ઈરાની નેતૃત્વમાં પલટાની અસર હવે હરિયાણાના ખેતરોથી લઈને નિકાસકારોના વ્યાપાર સુધી પહોંચી: બાસમતીના ભાવમાં મોટો કડાકો અને વીમાના જોખમે વેપારીઓની ઊંઘ હરામ કરી દીધી

કરનાલ : મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને અમેરિકાના આક્રમક વલણ બાદ ઈરાનની આંતરિક સ્થિતિ ડામાડોળ થઈ છે, જેની સીધી અને ગંભીર અસર ભારતના બાસમતી ચોખાના નિકાસ બજાર પર પડી રહી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીના નિધન અને ત્યારપછીની અરાજકતાને કારણે ભારતથી ઈરાન અને અફઘાનિસ્તાન જતા ચોખાના શિપમેન્ટ અધવચ્ચે જ અટકી પડ્યા છે. ઈરાનનું વ્યૂહાત્મક 'બંદર અબ્બાસ' પોર્ટ હાલમાં અનિશ્ચિતતાના ઘેરામાં હોવાથી ભારતીય નિકાસકારોએ પોતાના માલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોકલેલા કન્ટેનરો રોકી દીધા છે. આ સ્થિતિને કારણે નિકાસકારોને માત્ર માલ અટકી જવાની જ નહીં, પરંતુ અગાઉ મોકલેલા માલના કરોડો રૂપિયાના પેમેન્ટ અટકી જવાની પણ મોટી ચિંતા સતાવી રહી છે.

વ્યાપારી દ્રષ્ટિએ જોઈએ તો, હરિયાણા જે ભારતની કુલ બાસમતી નિકાસમાં ૩૫% જેટલો મોટો હિસ્સો ધરાવે છે, ત્યાં યુદ્ધની અસરો સૌથી વધુ વર્તાઈ રહી છે. કરનાલ, કૈથલ અને સોનીપત જેવા મુખ્ય કેન્દ્રોમાં બાસમતી ચોખાના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો ૪ થી ૫ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નિકાસકારોના જણાવ્યા અનુસાર, ઈરાન એ ભારત માટે સાઉદી અરેબિયા પછીનું બીજું સૌથી મોટું બજાર છે, જ્યાં વાર્ષિક અંદાજે ૧૦ લાખ ટન ચોખા મોકલવામાં આવે છે. હાલની સ્થિતિમાં નવા ઓર્ડર મળવાનું બંધ થઈ ગયું છે અને જૂના સોદાઓમાં ભાવ તૂટવાને કારણે મિલ માલિકો અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ સંકટમાં સૌથી મોટો પડકાર જહાજોના વીમા અને શિપિંગ રૂટનો છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થતા જહાજો માટે વીમા કંપનીઓએ કવરેજ આપવાનું બંધ કર્યું છે અથવા પ્રીમિયમમાં તોતિંગ વધારો કર્યો છે, જેના કારણે નૂર ખર્ચ આસમાને પહોંચ્યો છે. જો આ તણાવ લાંબો સમય ચાલશે તો માત્ર ઈરાન જ નહીં, પરંતુ યુએઈ, ઓમાન અને ઈરાક જેવા પડોશી દેશોમાં થતી નિકાસ પર પણ માઠી અસર પડશે. માર્ચ મહિનામાં જ્યારે શિપમેન્ટની સિઝન પૂરજોશમાં હોય છે, ત્યારે જ સર્જાયેલી આ કટોકટીએ ભારતીય કૃષિ નિકાસના ગણિત બગાડી નાખ્યા છે અને હવે સૌની નજર આંતરરાષ્ટ્રીય રાજદ્વારી હિલચાલ પર ટકેલી છે.

 

(6:36 PM IST)