News of Sunday, 1st March 2026
વૈશ્વિક યુદ્ધના એંધાણ: ઈરાન પરના હુમલાથી ભડક્યું ચીન: કિમ જોંગ ઉને અમેરિકાને ગણાવ્યું 'ગુંડા જેવું' રાષ્ટ્ર
ખામેનીની હત્યા બાદ ડ્રેગન અને ઉત્તર કોરિયાના આક્રમક તેવર: બેઇજિંગે સાર્વભૌમત્વના ઉલ્લંઘન બદલ પશ્ચિમી દેશોને ખખડાવ્યા : જ્યારે પ્યોંગયાંગે યુએસ-ઈઝરાયેલ ગઠબંધનને ખુલ્લી ચેતવણી આપી વિશ્વ શાંતિ સામે ખતરો ગણાવ્યો

બેઇજિંગ: મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને અમેરિકાના વિનાશક હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના મોત બાદ હવે વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ચીને આ ઘટનાને 'અસ્વીકાર્ય' ગણાવીને તેની આકરી ટીકા કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ઈરાનની ધરતી પર આ પ્રકારની લશ્કરી કાર્યવાહી એ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને યુએન ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતોનું ઘોર ઉલ્લંઘન છે. ચીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ હુમલાઓ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વએ તેની ગંભીર અસરો ભોગવવી પડશે.
ચીનની આ પ્રતિક્રિયાને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનું મજબૂત સમર્થન મળ્યું છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે અમેરિકાની આ કાર્યવાહીને "આધિપત્યવાદી અને ગુંડા જેવો સ્વભાવ" ગણાવીને આકરા પ્રહારો કર્યા છે. કિમ જોંગ ઉને ઈરાન પરના હુમલાને ગેરકાયદેસર આક્રમણ ગણાવતા કહ્યું છે કે અમેરિકા પોતાની સત્તાના જોરે નાના રાષ્ટ્રોનું સાર્વભૌમત્વ છીનવી રહ્યું છે. ઉત્તર કોરિયાએ આ લડાઈમાં ઈરાન સાથે ઉભા રહેવાના સંકેતો આપ્યા છે, જેનાથી પશ્ચિમી દેશો અને એશિયન શક્તિઓ વચ્ચે સીધો ટકરાવ થવાની ભીતિ સેવાઈ રહી છે.
શનિવારે થયેલા આ ભીષણ હવાઈ હુમલામાં માત્ર નેતૃત્વ જ નહીં, પરંતુ ઈરાની રેડ ક્રેસેન્ટના અહેવાલ મુજબ ૨૦૧ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ આંકડા સામે આવ્યા બાદ ચીન અને ઉત્તર કોરિયાએ સંયુક્ત રીતે વિશ્વના અન્ય દેશોને શાંતિ અને સ્થિરતા જાળવવા માટે એક થવા અપીલ કરી છે. જોકે, પડદા પાછળ આ બંને દેશોની પ્રતિક્રિયા અમેરિકા માટે મોટો રાજદ્વારી પડકાર માનવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે યુએન સુરક્ષા પરિષદમાં ચીન આ મુદ્દે કેવું કડક વલણ અપનાવે છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
