<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

યુદ્ધના ચક્રવ્યૂહમાં ફસાઈ બોલિવૂડ સુંદરીઓ: "સમય ડરામણો છે, બસ ભારત પરત ફરવું છે": એશા ગુપ્તાએ મદદ માંગી

ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે અબુ ધાબીમાં એશા ગુપ્તા : સોનલ ચૌહાણ અને પીવી સિંધુના શ્વાસ અધ્ધર : દુબઈ એરપોર્ટ ઠપ્પ થતા સેંકડો ભારતીયો આંતરરાષ્ટ્રીય સરહદો પર અટવાયા

મુંબઈ:   પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની ઝપેટમાં હવે ભારતીય હસ્તીઓ પણ આવી ગઈ છે. બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તાએ અબુ ધાબીથી શેર કરેલી તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીએ ચાહકોમાં ચિંતાનું મોજું ફેરવી દીધું છે. એશાએ સ્વીકાર્યું છે કે અત્યારે ત્યાંનો સમય અત્યંત ડરામણો અને અનિશ્ચિત છે. મિસાઈલ હુમલાઓ અને ડ્રોનના ગુંજારવ વચ્ચે સુરક્ષિત હોવાનો દાવો કરતા તેણે જણાવ્યું કે, તે વહેલી તકે ભારત પરત ફરવા ઈચ્છે છે. એશાની સાથે 'જન્નત' ફેમ સોનલ ચૌહાણ અને ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પણ આ અશાંત વિસ્તારમાં ફસાયેલા હોવાના અહેવાલોથી બોલિવૂડ અને ખેલ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધું છે, જેના કારણે ફ્લાઈટ ટ્રેકિંગ નકશા પર ગલ્ફના આકાશમાં માત્ર સન્નાટો દેખાઈ રહ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અલ મક્તૂમ એરપોર્ટ પરની તમામ કામગીરી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવતા હજારો પ્રવાસીઓ રઝળી પડ્યા છે. એશા ગુપ્તાએ ભારત સરકાર અને વડાપ્રધાન મોદીની સુરક્ષા નીતિઓ પર વિશ્વાસ વ્યક્ત કરતા આશા વ્યક્ત કરી છે કે સરકાર તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે ફ્લાઈટ્સ કેન્સલ કરી હોવાથી ભારતીય દૂતાવાસ અત્યારે હાઈ એલર્ટ પર છે.

ઈરાન અને ઈરાક ઉપરથી પસાર થતા રૂટ બંધ થવાને કારણે વૈશ્વિક હવાઈ મુસાફરી ખોરવાઈ ગઈ છે, જેની સીધી અસર સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રહેલા ભારતીયો પર પડી છે. અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને પ્રાર્થના કરવાની અપીલ કરી છે. યુદ્ધની આ આગમાં માત્ર લશ્કરી ઠેકાણાઓ જ નહીં, પરંતુ મુસાફરોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ છે. ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં જ 'ઓપરેશન અજય' જેવું કોઈ વિશેષ અભિયાન ચલાવીને આ હસ્તીઓ અને અન્ય સામાન્ય નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

 

(7:02 PM IST)