News of Sunday, 1st March 2026
ઈરાનમાં ભયાનક વિસ્ફોટ: ઈઝરાયલી એરસ્ટ્રાઈકમાં પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદના મોતના સમાચારથી વિશ્વમાં ખળભળાટ
તેહરાનના રહેણાંક વિસ્તારમાં થયેલા મિસાઈલ હુમલામાં IRGCના ટોચના કમાન્ડરો સહિત અનેક લોકોના મોતની આશંકા : પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા અને ઈરાને અમેરિકી સૈન્ય મથકો પર વળતો પ્રહાર કરવાની આપી ધમકી

તેહરાન: ઈરાનની રાજધાની તેહરાન શનિવારે મોડી રાત્રે પ્રચંડ વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠી હતી. મળતા અહેવાલો મુજબ, ઈઝરાયલી વાયુસેનાએ તેહરાનના ઉત્તર-પૂર્વીય નર્મક વિસ્તારમાં આવેલા પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદના નિવાસસ્થાનને નિશાન બનાવીને ચોકસાઈપૂર્વક હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે બહુમાળી ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદનું નિધન થયું છે, જોકે ઈરાની સરકાર તરફથી હજુ સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. આ હુમલામાં તેમની સુરક્ષામાં તૈનાત ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ઉચ્ચ અધિકારીઓ અને અનેક સલાહકારો પણ માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે.
ઘટનાસ્થળેથી આવતા દ્રશ્યો હૃદયદ્રાવક છે, જ્યાં કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે આ હુમલામાં નિર્દોષ શાળાના બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે, જેને કારણે સ્થાનિક લોકોમાં ઈઝરાયલ અને અમેરિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહમદીનેજાદ, જેઓ પોતાના કાર્યકાળ દરમિયાન ઈઝરાયલ વિરોધી આકરા વલણ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમના પ્રણેતા તરીકે જાણીતા હતા, તેમના સંભવિત મૃત્યુએ સમગ્ર મધ્ય પૂર્વમાં રાજકીય ભૂકંપ લાવી દીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આખા વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા અને બળી ગયેલી ગાડીઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે હુમલાની તીવ્રતાની સાક્ષી પૂરે છે.
આ હુમલાના વળતા જવાબમાં ઈરાનના વર્તમાન રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે રાષ્ટ્રજોગ સંબોધનમાં સ્પષ્ટ કર્યું છે કે ઈરાન આ 'શહાદત'નો બદલો લેશે અને ખાડી દેશોમાં આવેલા અમેરિકી અને ઈઝરાયલી સૈન્ય મથકોને નેસ્તનાબૂદ કરી દેશે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનને ચેતવણી આપી છે કે જો તે વધુ ઉશ્કેરણીજનક પગલાં લેશે તો તેના પરિણામો ભયાનક આવશે. હાલમાં કુવૈત, કતાર અને યુએઈ જેવા દેશોમાં તણાવ ચરમસીમાએ છે, કારણ કે ઈરાને દાવો કર્યો છે કે તેણે આ દેશોમાં સ્થિત પશ્ચિમી ઠેકાણાઓ પર ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
