News of Monday, 2nd March 2026
અમેરિકાના ટેક્સાસમાં એસયુવી કારમાંથી અંધાધૂંધ ગોળીબાર: હુમલાવર સહિત ૩ ના મોત, ૧૪ ઘાયલ: ૩ અતિ ગંભીર: હુમલાખોરે 'અલ્લાહની મિલકત' લખેલું સ્વેટશર્ટ અને ઈરાની રાષ્ટ્રધ્વજની ડિઝાઇનવાળો શર્ટ પહેર્યો હતો: ઈરાન પર કરવામાં આવેલા 'ઓપરેશન એપિક ફ્યુરી' હુમલાઓથી પ્રેરાઈને આ આતંકી કૃત્ય કરવામાં આવ્યા નું અનુમાન*

અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઓસ્ટિન શહેરમાં રવિવારે વહેલી સવારે એક ભયાનક ગોળીબારની ઘટના સામે આવી છે. રવિવાર, ૧ માર્ચ ૨૦૨૬ ના રોજ રાત્રે અંદાજે ૨ વાગ્યાની આસપાસ વેસ્ટ છઠ્ઠી સ્ટ્રીટ પર આવેલા બ્યુફોર્ડ્સ બેકયાર્ડ બીયર ગાર્ડન બહાર એક બંદૂકધારીએ પોતાની એસયુવી કારમાંથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ કરુણ ઘટનામાં હુમલાખોર સહિત કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય ૧૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હોસ્પિટલ ખસેડવામાં આવેલા ઘાયલોમાંથી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ઓસ્ટિન પોલીસ ચીફ લિસા ડેવિસે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, બાર બંધ થવાના સમયે આસપાસ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને જવાબી કાર્યવાહી કરી હતી. ત્રણ પોલીસ અધિકારીઓએ કરેલા વળતા પ્રહારમાં શંકાસ્પદ હુમલાખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો. કાયદા અમલીકરણ એજન્સીઓએ આ હુમલાખોરની ઓળખ ૫૩ વર્ષીય ન્ડિયાગા ડાયગ્ને તરીકે કરી છે, જે મૂળ ન્યૂયોર્ક શહેરનો રહેવાસી હતો.
એફબીઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોર પાસેથી એવી કેટલીક સામગ્રી મળી આવી છે જે આતંકવાદ સાથેના સંભવિત જોડાણ તરફ ઈશારો કરે છે. સૂત્રોના મતે, હુમલાખોરે 'અલ્લાહની મિલકત' લખેલું સ્વેટશર્ટ અને ઈરાની રાષ્ટ્રધ્વજની ડિઝાઇનવાળો શર્ટ પહેર્યો હતો. એવું માનવામાં આવે છે કે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સંયુક્ત રીતે કરવામાં આવેલા 'ઓપરેશન એપિક ફ્યુરી' હુમલાઓથી પ્રેરાઈને આ આતંકી કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે. નોંધનીય છે કે આ લશ્કરી કાર્યવાહીમાં એક દિવસ અગાઉ જ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ માર્યા ગયા હતા.
અમેરિકામાં માસ શૂટિંગની ઘટનાઓ એક ગંભીર મહામારી બની ગઈ છે. ધ ટ્રેસ નામના સંગઠનના આંકડાઓ મુજબ, માત્ર વર્ષ ૨૦૨૫ માં અમેરિકામાં કુલ ૪૦૮ સામૂહિક ગોળીબારની ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં ૩૫૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ૧૮૪૩ થી વધુ લોકો ઘાયલ થયા હતા.*
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
