<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

યુધ્‍ધના કારણે ભાવમાં ભડકોઃ હાજરમાં સોનામાં ૩,૬૦૦ અને ચાંદીમાં ૭,૦૦૦ રૂા.નો ઉછાળો

સોનાના ભાવ વધીને ૧,૭૧,૬૦૦ અને ચાંદીના ભાવ ર,૯પ,૦૦૦ રૂા. થયા : બંધ બજારે એક તબક્કે સોનાના ભાવ ૧,૭૬,૦૦૦ અને ચાંદીના ભાવ ૩,૦ર,૦૦૦ રૂા.ની સપાટી સ્‍પર્શ કરી હતી

રાજકોટ, તા., રઃ અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધના કારણે સોના-ચાંદીના ભાવમાં ભડકો થયો છે. હાજરમાં સોનામાં ૩૬૦૦ અને ચાંદીમાં ૭૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારો ખુલતાની સાથે જ સોનામાં ૩૬૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. શુક્રવારે સોનુ ૧૦ ગ્રામનો ભાવ ૧,૬૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૭૧,૬૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્‍કીટમાં ૩૬,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૬,૮૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૭,૧૬,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે. 

સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્‍યો હતો. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૭,૦૦૦ રૂા.નો વધારો થયો હતો.  શુક્રવારે ચાંદીનો બંધ ભાવ ૨,૮૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૯પ,૦૦૦ રૂા. થયા હતા.  શનિવારે અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધ ફાટી નિકળતા બંધ બજારે એક તબક્કે સોનાના ભાવ વધીને ૧,૭૬,૦૦૦ રૂા. અને ચાંદીના ભાવ ૩,૦ર,૦૦૦ રૂા. થઇ ગયા હતા. અમેરીકા અને ઇરાનની વચ્‍ચે યુધ્‍ધની સ્‍થિતિને પગલે સોના-ચાંદીના ભાવોમાં હજુ પણ વધે તેવી શકયતા હોવાની ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું. 

(12:07 PM IST)