News of Monday, 2nd March 2026
CJI સૂર્યકાંતનો કાયદાના વિદ્યાર્થીઓને ‘ગૂગલી’: "જો સૂર્યકુમાર પાસે છેલ્લી ઓવર નંખાવો તો શું થાય?" જાણો ન્યાયાધીશે કેમ આપ્યું ક્રિકેટનું ઉદાહરણ
ગાંધીનગર GNLUના દીક્ષાંત સમારોહમાં CJIએ વકીલાતના વ્યવસાયમાં 'સ્પેશિયલાઈઝેશન'નું મહત્વ સમજાવવા સૂર્યકુમાર યાદવ અને બુમરાહની જોડીનો સહારો લીધો

ગાંધીનગર, તા.02: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) ના 16મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે યુવા કાયદાશાસ્ત્રીઓને જીવનનો એક મોટો પાઠ ભણાવ્યો હતો. સામાન્ય રીતે ગંભીર ચર્ચાઓ માટે જાણીતા ન્યાયમૂર્તિએ જ્યારે ક્રિકેટના મેદાનની વાત છેડી, ત્યારે હોલમાં બેઠેલા વિદ્યાર્થીઓ અને મહેમાનોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે સફળતાનો અસલી મંત્ર 'દરેક કામમાં માસ્ટરી' મેળવવામાં નહીં, પણ 'પોતાની તાકાત' ઓળખવામાં રહેલો છે.
ક્રિકેટના મેદાનથી કોર્ટરૂમ સુધીની શીખ
CJI સૂર્યકાંતે ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને સ્ટાર બોલર જસપ્રીત બુમરાહના ઉદાહરણ દ્વારા એક સચોટ વાત કહી. તેમણે પ્રશ્ન કર્યો કે, "શું તમે ક્યારેય વિચાર્યું છે કે સૂર્યકુમાર યાદવ ડેથ ઓવર્સમાં બોલિંગ કરે?" તેમણે ઉમેર્યું કે કોઈ પણ વ્યક્તિ સૂર્યકુમાર પાસે છેલ્લી ઓવર ફેંકવાની કે જસપ્રીત બુમરાહ પાસે રન ચેઝમાં બેટિંગથી નેતૃત્વ કરવાની અપેક્ષા નથી રાખતું. આનું કારણ એ છે કે આ બંને ખેલાડીઓ પોતાની ખાસિયત જાણે છે અને તે ક્ષેત્રમાં જ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.
તેમણે સમજાવ્યું કે સફળ ટીમ ત્યારે જ બને છે જ્યારે દરેક ખેલાડી પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટ હોય. એ જ રીતે, કાયદાના વ્યવસાયમાં પણ વકીલોએ દરેક વિષયમાં હાથ અજમાવવાને બદલે પોતાની શક્તિ ઓળખવી જોઈએ અને તે મુજબ નિષ્ણાત (Expert) બનવું જોઈએ.
વકીલો માટે મહત્વની સલાહ: "બધું કરવા જશો તો ક્યાંયના નહીં રહો"
સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓને સંબોધતા CJIએ કહ્યું કે, "કાનૂની વ્યવસાય એવા લોકોને ભાગ્યે જ પુરસ્કાર આપે છે જેઓ બધું જ એકસાથે અને સમાન રીતે કરવાનો પ્રયાસ કરે છે." તેમણે વકીલોને અરીસો બતાવતા કહ્યું કે, જે વકીલો આજે ટોચ પર છે, તેમણે ક્યારેક ને ક્યારેક 'ડોળ' કરવાનું છોડીને પોતાની સાચી આવડત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હશે.
વિશ્વાસ અને વિશ્વસનીયતાનો મંત્ર
ન્યાયાધીશે વધુમાં જણાવ્યું કે આ વ્યવસાયમાં દરરોજ કોઈ સિદ્ધિ મેળવવી જરૂરી નથી, પરંતુ મુશ્કેલ સમયમાં તમારી 'વિશ્વસનીયતા' (Credibility) કેટલી છે, તે સૌથી વધુ મહત્વનું છે. તમારી ઓળખ તમારી શક્તિઓ પર આધારિત હોવી જોઈએ. જો તમે તમારી શક્તિ ઓળખી લો છો, તો જ તમે કાયદાના સાચા અભ્યાસુ બની શકશો.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
