<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ભારત-કેનેડા વચ્ચે જામશે દોસ્તીની નવી 'ઈનિંગ': PM મોદી અને કેનેડિયન સમકક્ષ કાર્ની વચ્ચે ઐતિહાસિક મુલાકાત, આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ' અને $50 બિલિયનના વેપારનો મેગા પ્લાન!

ટ્રુડો યુગના તણાવનો અંત? વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું- "આતંકવાદ અને કટ્ટરવાદ સમગ્ર માનવતા માટે જોખમ," કેનેડા સાથે આર્થિક ભાગીદારીના નવા દ્વાર ખુલશે

નવી દિલ્હી, તા.૦૨: ભારત અને કેનેડાના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ખટાશ હવે દૂર થતી જણાય છે. દિલ્હીના હૃદય સમાન હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકે બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી ઉર્જા ફૂંકી છે. આ મુલાકાત માત્ર રાજદ્વારી શિષ્ટાચાર નથી, પરંતુ આતંકવાદ વિરુદ્ધ સંગઠિત થવાની અને વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 અબજ ડોલર (આશરે ₹4.15 લાખ કરોડ) સુધી લઈ જવાની એક મજબૂત પ્રતિબદ્ધતા છે.

આતંકવાદ પર આરપારની લડાઈ: મોદીનો કડક સંદેશ

સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પીએમ મોદીએ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદના મુદ્દે કેનેડાને અરીસો બતાવવાની સાથે સહયોગની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે, "આતંકવાદ માત્ર ભારત કે કેનેડા માટે નહીં, પણ સમગ્ર વિશ્વ માટે ગંભીર પડકાર છે. જ્યારે બે મોટી લોકશાહીઓ સાથે મળીને ઉભી રહે છે, ત્યારે શાંતિનો અવાજ વધુ બળવાન બને છે." નોંધનીય છે કે, કેનેડાની જ ગુપ્તચર એજન્સી CSIS એ સ્વીકાર્યું છે કે તેની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ હિંસા ભડકાવવા માટે થઈ રહ્યો છે, જેની સામે હવે નવા વડાપ્રધાન કડક વલણ અપનાવશે તેવી આશા જાગી છે.

વેપારમાં ‘રોકેટ ગતિ’: $50 બિલિયનનો ટાર્ગેટ

પીએમ મોદી અને માર્ક કાર્નીએ આર્થિક સહયોગને નવા સ્તરે લઈ જવાનો સંકલ્પ કર્યો છે. બંને નેતાઓએ નક્કી કર્યું છે કે આગામી ચાર વર્ષમાં વેપારના આંકડાને 50 અબજ ડોલર સુધી પહોંચાડવામાં આવશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત અને ઓટાવા વચ્ચે ટૂંક સમયમાં જ એક 'વ્યાપક આર્થિક ભાગીદારી કરાર' (CEPA) ને આખરી ઓપ આપવામાં આવશે. આ કરારથી બંને દેશોના ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ માટે નવી તકોના દ્વાર ખુલશે.

ટ્રુડો યુગની કડવાશને પાછળ છોડવાનો પ્રયાસ

જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન હરદીપ સિંહ નિજ્જરની હત્યાના પાયાવિહોણા આરોપોને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો પાતાળમાં પહોંચી ગયા હતા. ભારત તેને 'રાજકીય રીતે પ્રેરિત' ગણાવ્યા હતા. જોકે, માર્ક કાર્નીની આ પહેલી સત્તાવાર ભારત મુલાકાતે ફરી એકવાર વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે. મુંબઈથી શરૂ થયેલી તેમની મુલાકાત દિલ્હીમાં વ્યૂહાત્મક ભાગીદારીના નવા પ્રકરણ સાથે પૂર્ણ થઈ રહી છે.

પીએમ મોદીએ માર્ક કાર્નીના વિઝનની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે તેમના નેતૃત્વમાં કેનેડા ખાલિસ્તાની ઉગ્રવાદ સામે કડક પગલાં લેશે અને દ્વિપક્ષીય સંબંધો ફરી એકવાર પાટા પર ચઢશે.

(4:14 PM IST)