<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ઈરાની સેના બેકાબૂ? "ઓમાન પર હુમલો અમારી મરજી નહોતી, IRGC હવે સ્વતંત્ર છે," વિદેશ મંત્રીના નિવેદનથી વિશ્વભરમાં ફફડાટ!

ખામેનીના મોત બાદ 'વડાવિહીન' બની ઈરાનની એલિટ ફોર્સ: સરકારના આદેશ માનવાને બદલે જૂની સૂચનાઓ પર હુમલા કરી રહ્યું છે પાસદારન, મધ્ય પૂર્વમાં ભયાનક અરાજકતાનો ખતરો

તેહરાન: પશ્ચિમ એશિયાના યુદ્ધમાં એક અત્યંત ખતરનાક વળાંક આવ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મોત બાદ ઈરાનનું સૌથી શક્તિશાળી સૈન્ય એકમ, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC), હવે સરકારના નિયંત્રણની બહાર જઈ રહ્યું હોય તેવં્ લાગી રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્વીકાર્યું છે કે IRGC હવે 'સ્વતંત્ર' રીતે કાર્ય કરી રહ્યું છે અને ઓમાન જેવા શાંતિપ્રિય દેશ પર થયેલો હુમલો ઈરાની સરકારની પસંદગીનો નહોતો.
સરકારની લાચારી: "સેના અમારી વાત નથી સાંભળતી"
અલ જઝીરાને આપેલા એક ઈન્ટરવ્યુમાં વિદેશ મંત્રી અરાઘચીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જ્યારે તેમને ઓમાન બંદર પર થયેલા મિસાઈલ હુમલા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, "ઓમાનમાં જે બન્યું તે અમારી ઈચ્છા વિરુદ્ધ હતું. અમે અમારા સશસ્ત્ર દળોને સાવચેત રહેવા કહ્યું હતું, પરંતુ હકીકત એ છે કે અમારા લશ્કરી એકમો હવે સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ગયા છે. તેઓ માત્ર તેમની જૂની સૂચનાઓ પર જ અમલ કરી રહ્યા છે."
શું છે IRGC અને તે કેમ જોખમી છે?
IRGC અથવા 'પાસદારન' ની સ્થાપના ૧૯૭૯ની ક્રાંતિ પછી ઈરાનની ઇસ્લામિક વ્યવસ્થાના રક્ષણ માટે કરવામાં આવી હતી. તે સામાન્ય સૈન્ય (આર્તેશ) થી અલગ છે અને સીધું જ સર્વોચ્ચ નેતાને રિપોર્ટ કરે છે. હવે જ્યારે ખામેની જીવિત નથી, ત્યારે આ એલિટ ફોર્સ કોઈના અંકુશમાં નથી. વિદેશ મંત્રીના નિવેદનનો સીધો અર્થ એ છે કે IRGC અત્યારે ખામેનીએ તેમના મૃત્યુ પહેલાં આપેલી 'બદલો લેવાની' સૂચનાઓ પર આંધળુકિયા કરી રહ્યું છે, જેમાં કયા દેશોને નિશાન બનાવવા તેની પર સરકારનો કોઈ કાબૂ રહ્યો નથી.
ઓમાન પર હુમલાથી વધ્યું રાજદ્વારી સંકટ
ઓમાન હંમેશા મધ્ય પૂર્વમાં મધ્યસ્થી અને શાંતિ દૂતની ભૂમિકા ભજવતું આવ્યું છે. તેના પર થયેલા હુમલાએ અરબ દેશોમાં ભારે રોષ પેદા કર્યો છે. ઈરાની સરકાર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે બચાવ કરી રહી છે કે આ હુમલા તેમની સંમતિથી થયા નથી, પરંતુ આ નિવેદન વધુ ડરામણું છે. જો કોઈ દેશની સૌથી ઘાતક સેના બેકાબૂ થઈ જાય, તો તે ગમે ત્યારે ગમે તે દેશ પર પરમાણુ કે રાસાયણિક હુમલો કરી શકે છે.
વિશ્વ માટે ચેતવણી
લશ્કરી વિશ્લેષકો માને છે કે જો IRGC ને તાત્કાલિક કોઈ નેતૃત્વ હેઠળ લાવવામાં નહીં આવે, તો મધ્ય પૂર્વમાં 'ગેરીલા વોર' (છાપામાર યુદ્ધ) જેવી સ્થિતિ સર્જાશે. ઈરાની સરકાર અને સેના વચ્ચેના આ વિખવાદથી યુએસ-ઈઝરાયલ માટે પણ સ્થિતિ પડકારજનક બની છે, કારણ કે હવે તેમની પાસે વાતચીત કરવા માટે કોઈ સત્તાવાર સૈન્ય વડું નથી.

(6:57 PM IST)