News of Monday, 2nd March 2026
ન્યાયતંત્રમાં AIનો ખતરનાક ખેલ: સુપ્રીમ કોર્ટે ફેક ચુકાદાઓ બદલ ટ્રાયલ કોર્ટને ખખડાવી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા ઉભા કરાયેલા ખોટા કાયદાકીય સંદર્ભોને સુપ્રીમ કોર્ટે માત્ર ભૂલ નહીં પણ ન્યાયિક ગેરવર્તણૂક ગણાવી: દેશના કાયદા મંત્રી અને બાર કાઉન્સિલને નોટિસ ફટકારી તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી: ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ વળાંક આવ્યો છે, જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ વરદાનને બદલે અભિશાપ સાબિત થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક એવા કેસની સુનાવણી કરી જેમાં ટ્રાયલ કોર્ટે પોતાના આદેશમાં એવા ચાર ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી! આ ચુકાદાઓ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા 'ક્રિએટ' કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જસ્ટિસ પામિદિઘંથમ શ્રી નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે આ બાબતે લાલ આંખ કરતા સ્પષ્ટ કર્યું કે, ન્યાયિક પ્રક્રિયામાં આવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ એ કોઈ સામાન્ય ભૂલ નથી, પરંતુ તે ન્યાયની પવિત્રતા સાથે ચેડાં અને ગંભીર ગેરવર્તણૂક છે.
આ સમગ્ર વિવાદ આંધ્રપ્રદેશના એક મિલકત વિવાદથી શરૂ થયો હતો, જેમાં વકીલ કમિશનરની નિમણૂક બાબતે ટ્રાયલ કોર્ટે AI-જનરેટેડ ફેક ચુકાદાઓને ટાંકીને ઓર્ડર પાસ કર્યો હતો. જ્યારે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે ખુલાસો થયો કે જે કેસ લો ટાંકવામાં આવ્યા છે તે તો ક્યાંય રેકોર્ડ પર છે જ નહીં. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મામલે કોર્ટનું ધ્યાન દોર્યું કે આ કોઈ પાઠ્યપુસ્તકની સામાન્ય ઘટના નથી, પરંતુ ન્યાયતંત્રની વિશ્વસનીયતા પર મોટો ખતરો છે. હાઈકોર્ટે માત્ર ચેતવણી આપીને આ કેસ છોડી દીધો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે આને "સંસ્થાકીય ચિંતા" ગણાવીને ઊંડા ઉતરવાનો નિર્ણય લીધો છે.
આધુનિક યુગમાં AI ના વધતા પ્રભાવ વચ્ચે સુપ્રીમ કોર્ટ હવે આ કેસ દ્વારા જવાબદારી નક્કી કરવા માંગે છે. આ ગંભીરતાને જોતા કોર્ટે એટર્ની જનરલ, સોલિસિટર જનરલ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ પાઠવી છે. સાથે જ વરિષ્ઠ વકીલ શ્યામ દિવાનને 'એમિકસ ક્યુરી' (કોર્ટના મિત્ર) તરીકે નિયુક્ત કર્યા છે જેથી ભવિષ્યમાં વકીલો કે ન્યાયાધીશો ટેકનોલોજીના નામે આવા નકલી પુરાવા રજૂ ન કરે તે માટે કડક માર્ગદર્શિકા બનાવી શકાય. આ કેસ એ વાતની સાબિતી છે કે ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ હોય, પણ માનવીય ચકાસણી અને નૈતિકતા વગર તે ન્યાય પ્રણાલીને જોખમમાં મૂકી શકે છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
