<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

પાડોશી દેશ પાકિસ્તાનમાં લોહીની હોળી: ઇરાનના નેતાના મોત બાદ ભભૂકી ઉઠ્યો જનાક્રોશ, સુરક્ષા દળોના અંધાધૂંધ ફાયરિંગમાં 35 પ્રદર્શનકારીઓના મોત!

ટ્રમ્પને ખુશ કરવા શાહબાઝ સરકાર પોતાના જ નાગરિકો પર વરસાવી રહી છે ગોળીઓ? કરાચીમાં અમેરિકી કોન્સ્યુલેટ પર હુમલો અને લાહોર-સ્કાર્દુમાં ફાટી નીકળેલી હિંસાથી પાકિસ્તાન પાયમાલ

ઈસ્લામાબાદ: ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સૌથી ભયાનક અસર અત્યારે પાકિસ્તાનમાં જોવા મળી રહી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ પાકિસ્તાનના શિયા સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે પાકિસ્તાનના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ કરેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ૩૫ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
કરાચીમાં અમેરિકી કોન્સ્યુલેટ પર હુમલો
સૌથી ગંભીર સ્થિતિ કરાચીમાં જોવા મળી હતી, જ્યાં હજારો પ્રદર્શનકારીઓએ અમેરિકી કોન્સ્યુલેટ તરફ કૂચ કરી હતી. દેખાવકારોએ અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અમેરિકી ઝંડા સળગાવ્યા હતા. જ્યારે ભીડે કોન્સ્યુલેટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસ અને અર્ધસૈનિક દળોએ પહેલા ટીયર ગેસ છોડ્યા અને ત્યારબાદ સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ લોહિયાળ સંઘર્ષમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
શું શાહબાઝ શરીફ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરી રહ્યા છે?
પાકિસ્તાની મીડિયા અને સોશિયલ મીડિયા પર અત્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરની આકરી ટીકા થઈ રહી છે. પ્રખ્યાત યુટ્યુબરો અને વિશ્લેષકોનો આરોપ છે કે પાકિસ્તાની નેતૃત્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે પોતાના જ નાગરિકો પર ગોળીઓ ચલાવી રહ્યું છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ટ્રમ્પ સાથેની આગામી બેઠકમાં પોતાની વફાદારી સાબિત કરવા માટે શાહબાઝ સરકાર અમેરિકી સંપત્તિઓની સુરક્ષાના નામે નિર્દોષોના લોહી વહાવી રહી છે.
સમગ્ર પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ
માત્ર કરાચી જ નહીં, પણ લાહોર, ઈસ્લામાબાદ અને ઉત્તરી વિસ્તાર એવા સ્કાર્દુમાં પણ સ્થિતિ કાબૂ બહાર ગઈ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે પણ તણાવ વધ્યો છે. આ હિંસાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા અને માનવાધિકાર પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. એક તરફ દેશ આર્થિક રીતે કંગાળ છે, ત્યાં બીજી તરફ આ આંતરિક હિંસા પાકિસ્તાનને વધુ વિનાશ તરફ ધકેલી રહી છે.
ઈરાન પર થયેલા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાની રસ્તાઓ પર ઉતરેલા લોકો હવે પોતાની જ સરકાર સામે બળવો કરી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

(7:14 PM IST)