News of Monday, 2nd March 2026
પાકિસ્તાન બજારમાં 'બ્લેક મન્ડે': શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો ભૂકંપ, ઇન્ડેક્સ 10% તૂટ્યો; રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા
યુદ્ધના પડઘા અને દેશમાં આંતરિક અરાજકતાએ કમર તોડી: કરાચીથી ઇસ્લામાબાદ સુધી હિંસાની અસર શેરબજાર પર, 45 મિનિટ સુધી ટ્રેડિંગ રોકવું પડ્યું, જાણો આર્થિક વિનાશના કારણો

કરાચી: પાકિસ્તાન અત્યારે આર્થિક અને રાજકીય રીતે સર્વનાશના આરે હોય તેમ જણાય છે. આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ પાકિસ્તાની શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. અગ્રણી ઇન્ડેક્સ KSE-30 માં માત્ર ગણતરીની મિનિટોમાં જ 9.6% નો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે બજારમાં 'લોઅર સર્કિટ' લાગી હતી અને 45 મિનિટ માટે ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી હતી.
ઐતિહાસિક કડાકો અને આંકડા
ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોમાં એવી તે નાસભાગ મચી કે ઇન્ડેક્સ લગભગ 5,000 પોઈન્ટ ગગડીને 46,351.64 ના સ્તરે પહોંચી ગયો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, પાકિસ્તાની શેરબજારના ઈતિહાસમાં એક જ દિવસમાં આવેલો આ સૌથી ભયાનક ઘટાડો છે. જોકે વર્ષની શરૂઆતમાં બજાર વધ્યું હતું, પરંતુ આજના એક જ ઝટકાએ તમામ નફો ધોઈ નાખ્યો છે.
કેમ સર્જાઈ આ અંધાધૂંધી?
બજારમાં આ અરાજકતા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર માનવામાં આવે છે:
૧. ઇરાન-ઇઝરાયલ સંઘર્ષ: મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને અમેરિકાના હુમલાઓએ રોકાણકારોના મનમાં ડર પેદા કર્યો છે.
૨. આંતરિક હિંસા: પાકિસ્તાનમાં ઇરાન તરફી વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. કરાચીમાં યુએસ કોન્સ્યુલેટ પર હુમલાના પ્રયાસ અને પોલીસ સાથેની અથડામણમાં ૧૦ લોકોના મોતની ખબરે બજારનો સેન્ટિમેન્ટ બગાડ્યો છે.
૩. અફઘાનિસ્તાન સાથે યુદ્ધ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ૨,૬૦૦ કિલોમીટરની સરહદ પર 'ખુલ્લું યુદ્ધ' શરૂ થઈ ગયું છે. પાકિસ્તાને 'ઓપરેશન ગઝબ લિલ હક' હેઠળ હવાઈ હુમલા શરૂ કરતા દેશમાં અનિશ્ચિતતાનો માહોલ છે.
વૈશ્વિક બજારોની પણ હાલત ખરાબ
માત્ર પાકિસ્તાન જ નહીં, આ યુદ્ધની અસરથી વૈશ્વિક બજારો પણ લાલ નિશાનમાં છે. ભારતીય શેરબજારમાં પણ સેન્સેક્સ ૧,૦૪૮ પોઈન્ટ ઘટીને બંધ થયો છે. એશિયન અને યુરોપિયન બજારોમાં ૧.૩% થી ૧.૪% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે સૂચવે છે કે વૈશ્વિક અર્થતંત્ર પર યુદ્ધના વાદળો ઘેરાયા છે.
આર્થિક નિષ્ણાતોના મતે, જો પાકિસ્તાન તેની આંતરિક સુરક્ષા અને પાડોશી દેશો સાથેના સંબંધો નહીં સુધારે, તો આ આર્થિક પતન તેને શ્રીલંકા જેવી સ્થિતિમાં લાવી શકે છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
