News of Tuesday, 3rd March 2026
ગરીબોનો ફ્રીમાં ઈલાજ ના કરતી ૫૧ ખાનગી હોસ્પિટલોને સુપ્રીમની ફટકાર
સુપ્રીમે આદેશ ન માનનારી હોસ્પિટલોને કોર્ટના તિરસ્કારની નોટિસ ફટકારી : ૧૦ ટકા ગરીબોને મફતમાં સારવાર અને ૨૫ ટકાને ફ્રી ઓપીડીની શરતે જ હોસ્પિટલોને જમીન અપાઈ હતી

નવી દિલ્હી,તા.૦૩: સુપ્રીમ કોર્ટે ગરીબોને મફત સારવાર અને બેડ ન આપનારી ૫૧ ખાનગી હોસ્પિટલો સામે આકરું વલણ અપનાવી તેની સામે કોર્ટના તિરસ્કારની નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સરકાર અને હોસ્પિટલોને જમીન આપનારી એજન્સીઓની પણ બેદરકારી બદલ આકરી ઝાટકણી કાઢી છે. દિલ્હી આરોગ્ય વિભાગના નોડલ અધિકારી કરે છે શું તેવો સવાલ સુપ્રીમ કોર્ટે પૂછ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં દિલ્હીના, આરોગ્ય સચિવ કમ નોડલ ઓફિસરને આદેશ આપ્યો કે ગરીબોને સારવાર આપવામાં નિષ્ફળ ગયેલી ૫૧ ખાનગી હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવે, જેમને રાહત દરે જમીન આપવામાં આવી હતી. આ કેસની આગામી સુનાવણી ૨૪ માર્ચે થશે.
સુપ્રીમ કોર્ટે તેની સાથે ડીડીએ, લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ અને એમસીડીને નોડલ ઓફિસર સાથે સહયોગ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ આદેશ તેના ૨૦૧૮ના આદેશના અનુસંધાનમાં આપ્યો હતો. તેમા ખાનગી હોસ્પિટલોને મફત સારવારની જવાબદારી આપવામાં આવી હતી. આ બધી હોસ્પિટલોએ સમયાંતરે આ નિયમના પાલનનું રિપોર્ટિગ કરવાનું હતું.વાસ્તવમાં આ હોસ્પિટલોને જમીન તે શરતે જ આપવામાં આવી હતી કે હોસ્પિટલ પોતાના પેશન્ટ ઈન ડિપાર્ટમેન્ટમાં ૧૦ ટકા બેડ અને ઓપીડીની ૨૫ ટકા સેવા આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને આપશે. દિલ્હી સરકાર ૧૮ ફેબ્રુઆરીના રોજ એક સોગંદનામુ ફાઈલ કર્યું હતુ. તેમા ૫૧ હોસ્પિટલના નામ હતા. આ એફિડેવિટ ૨૧ જાન્યુઆરીના ઓર્ડરના જવાબમાં આપવામાં આવી હતી. આ ઓર્ડરમાં કોર્ટે ૨૦૧૮નો ચુકાદો લાગુ કરવા માટે લેવાયેલા પગલાંની જાણકારી માંગી હતી.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
