<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

અફઘાનિસ્‍તાન અને ઈરાનની સરહદો સળગતાં ઈમ્‍પોર્ટેડ ડ્રાયફ્રુટસ મોંઘા થયાં

મેવા માર્કેટસમાં ઘરાકી અડધોઅડધ ઘટી ગઈ : પહેલાં ભારત-પાક ઘર્ષણના કારણે વાઘા બોર્ડરથી આયાત બંધ થઈ હતી અને હવે આ માર વાગ્‍યોઃ મીઠાઈઓ, કન્‍ફેશનરીના ભાવ વધશે

મુંબઈ,તા.૦૩: એક બાજુ યુએસએ-ઈઝરાયેલ અને ઈરાન વચ્‍ચેના ભીષણ સંગ્રામ અને બીજી તરફ, બે પાડોશીઓ પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાન વચ્‍ચેના યુધ્‍ધે ભારતમાં ડ્રાયફ્રુટસ (સુકા મેવા)ની આયાતને ગંભીર અસર કરી છે. ડ્રાયફ્રુટસના ભાવમાં ઉછાળો આવ્‍યો છે. ભારત ઈરાન અને અફઘાનિસ્‍તાનાથી અંજીર, કિસમિસ, કેસર, પિસ્‍તા, બદામ અને જરદાળુ આયાત કરે છે.

અમેરિકા (યુએસ)એ જુન,, ૨૦૨૫માં પહેલીવાર ઈરાન પર હુમલો કર્યો ત્‍યારથી એમના ભાવ વધી રહ્યા છે. પાકિસ્‍તાને અફઘાનિસ્‍તાન પર હલ્‍લો કરતા ભારતમાં ડ્રાયફ્રુટસની સપ્‍લાય ખોરવાઈ ગઈ, શનિવારે મધ્‍ય પૂર્વે દેશોમાં બનેલા બનાવો દેશમાં ડ્રાયફ્રુટસની અછતનો વધુ ઘેરી બનાવશે. આમેય સુકામેવાના વેપારીઓ કહે છે કે ભાવોમાં એકધારો વધારો થઈ રહ્યો છે.

આ સંદર્ભમાં વાશીની એપીએમસી, ક્રાફર્ડ માર્કેટ મસ્‍જિદ બંદર અને મલાડના ડ્રાયફ્રુટસના હોલસેલર્સ દ્વારા જણાવાયં હતું કે ડ્રાયફ્રુટસ અને નટસની સપ્‍લાય કદાચ સંપૂર્ણપણે થંભી જશે અને આપણે હાજર સ્‍ટોકથી કામ ચલાવવું પડશે. બે વરસ પહેલાં ભારત-પાક વચ્‍ચે ઘર્ષણને પગલે અમૃતસર ખાતેની વાઘા બોર્ડરથી સીધો માલ આવતો બંધ થઈ ગયો ત્‍યારથી અફઘાનિસ્‍તાનના ડ્રાયફ્રુટસ ઈરાનના બંદરેથી જ ભારત આવી રહ્યા છે. હવે ઈરાનના રૂટ સંપૂણપણે બંધ થઈ જતા આયાત સંપૂર્ણપણે ખોરવાશે,

જ્‍યારે બીજા વેપારીઓનું કહેવું છે કે ભાવ એનાથી ઘણાં ઉંચે ગયા છે. ક્રાફર્ડ માર્કેટના ટ્રેડરે જણાવ્‍યું હતું કે ઈરાનથી આયાત થતા પિસ્‍તા, જરદાળુ, મામરા બદામ અને કેસર સરેરાશ ૨૦-૩૦ ટકા મોંઘા થયા છે. અમુકના ભાવ તો ડબલ થઈ ગયા છે. મામેરા બદામનો ભાવ ઓક્‍ટોબરમાં રૂ.૧૮૦૦ હતો, જે આજે ૨૮૦૦ રૂા. કિલો વેચાય છે.

(10:09 AM IST)