News of Tuesday, 3rd March 2026
યુએઇ એરપોર્ટ પર ભારત સહિતના દેશો માટે ફ્લાઇટ શરૂ
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે... એરલાઇન્સે જાહેર કરી ‘સેફ રૂટ્સ'ની યાદીઃ મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર સહિતના શહેરો માટે મર્યાદિત ઉડાનોને લીલી ઝંડી

નવી દિલ્હી, તા.૩: ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વધતા જતા સૈન્ય સંઘર્ષે સમગ્ર વિશ્વના હવાઈ માર્ગોને થંભાવી દીધા હતા, પરંતુ હવે ધીમે ધીમે આકાશ ખુલવા લાગ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી બોમ્બમારા અને મિસાઇલ હુમલાઓના કારણે જે અંધાધૂંધી સર્જાઈ હતી, તેમાં હવે થોડી રાહત જોવા મળી રહી છે. દુબઈ અને અબુ ધાબી જેવા વ્યસ્ત એરપોર્ટ્સે મર્યાદિત કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે, આ માત્ર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ છે કે યુદ્ધમાં નરમાશનો સંકેત, તે પ્રશ્ન હજુ પણ અકબંધ છે, કારણ કે જમીની સ્તરે સંઘર્ષ હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યો.
દુબઈ મીડિયા ઓફિસ અને એમિરેટ્સ એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં માત્ર પ્રાથમિકતાના ધોરણે અને મર્યાદિત સંખ્યામાં જ વિમાનો ઉડાન ભરશે. ખાસ કરીને એવા મુસાફરો કે જેઓ એરપોર્ટ પર દિવસોથી અટવાયેલા છે, તેમને પહેલા ઘરે પહોંચાડવામાં આવશે. ફ્લાયદુબઈ અને એતિહાદ એરવેઝે પણ તેમના શેડ્યૂલમાં આંશિક ફેરફાર કરીને ટ્રાન્ઝિટ પેસેન્જરો માટે રાહતના દ્વાર ખોલ્યા છે. એરલાઇન્સ સતત મોનિટરિંગ કરી રહી છે કે કયા વિસ્તારોનું એરસ્પેસ સલામત છે, કારણ કે સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માગતા નથી.
ભારતીય મુસાફરો માટે પણ રાહતના સમાચાર એ છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસે મસ્કતથી ભારતની ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ૩ માર્ચથી દિલ્હી, મુંબઈ અને કોચી જેવા શહેરો માટે સેવાઓ કાર્યરત થશે. જોકે, અન્ય આરબ દેશો જેવા કે સાઉદી અરેબિયા, કુવૈત અને કતાર માટેની ફ્લાઇટ્સ હજુ પણ સ્થગિત રાખવામાં આવી છે. આ દર્શાવે છે કે સ્થિતિ હજુ સંપૂર્ણપણે કાબૂમાં નથી અને એરલાઇન્સ સાવચેતીના પગલાં તરીકે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહી છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
