<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મિડલ ઈસ્‍ટમાં રહેલા અમેરિકનોને ‘‘હવે જ બહાર નીકળી જાઓ''

અમેરિકાએ ૧૪ મધ્‍ય પૂર્વીય દેશોમાં રહેલા પોતાના નાગરિકોને તાત્‍કાલિક ત્‍યાંથી નીકળી જવાની સલાહ આપી

વોશીંગટન તા.૩: મિડલ ઈસ્‍ટમાં વધતા તણાવને કારણે પરિસ્‍થિતિ ખૂબ જ સંવેદનશીલ બની ગઈ છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ સુરક્ષા જોખમો વધી ગયા છે. આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને અમેરિકાએ ૧૪ મધ્‍ય પૂર્વીય દેશોમાં રહેલા પોતાના નાગરિકોને તાત્‍કાલિક ત્‍યાંથી નીકળી જવાની સલાહ આપી છે. સત્તાવાર નિવેદનમાં સ્‍પષ્ટ કહેવામાં આવ્‍યું છે કે, જે પણ અમેરિકન નાગરિકો આ દેશોમાં છે, તેઓએ શક્‍ય તેટલી વહેલી તકે કોમર્શિયલ ફલાઇટ અથવા અન્‍ય ઉપલબ્‍ધ માર્ગ દ્વારા સુરક્ષિત સ્‍થળે જવું જોઈએ.

તાજેતરમાં રિયાધમાં અમેરિકી દૂતાવાસને નિશાન બનાવવાનો પ્રયાસ થયો હતો. બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્‍યો હતો, જેના કારણે નાની આગ લાગી અને ઈમારતને થોડું નુકસાન થયું. સદભાગ્‍યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ ઘટનાને પગલે દૂતાવાસે જેદ્દાહ અને દહરાનમાં રહેલા અમેરિકનોને આશ્રયસ્‍થાન એટલે કે ઘરની અંદર જ રહેવાની સૂચના આપી છે. હાલ દૂતાવાસની સામાન્‍ય સેવાઓ મર્યાદિત રાખવામાં આવી છે.

બહેરીન, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, ઇઝરાયલ, વેસ્‍ટ બેંક, ગાઝા પટ્ટી, જોર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, સંયુક્‍ત આરબ અમીરાત, યમન સહીતના દેશો માટે ચેતવણી જાહેર કરાઇ છે. મહત્‍વનું છે કે, કેટલાક એરપોર્ટ પર ફલાઇટ્‍સ રદ થઈ રહી છે અથવા મર્યાદિત સેવા ચાલી રહી છે. છતાં ઉપલબ્‍ધ ફલાઇટ્‍સનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

અમેરિકન નાગરિકો માટે ખાસ હેલ્‍પલાઇન નંબર જાહેર કરવામાં આવ્‍યા છે

વિદેશમાંથીઃ ૧-૨૦૨-૫૦૧-૪૪૪૪

અમેરિકા અંદરથીઃ ૧-૮૮૮-૪૦૭-૪૭૪૭

તે ઉપરાંત STEP (Smart Traveler Enrollment Program) પર નોંધણી કરવાની પણ સલાહ આપવામાં આવી છે જેથી તાજી સુરક્ષા માહિતી મળી શકે.

મિડલ ઈસ્‍ટમાં સુરક્ષા પરિસ્‍થિતિ ઝડપથી બદલાઈ રહી છે. દૂતાવાસો અને સૈન્‍ય ઠેકાણાઓ પર હુમલાની ઘટનાઓને કારણે જોખમ વધ્‍યું છે. અમેરિકાએ ઇમરજન્‍સી ટાસ્‍ક ફોર્સ સક્રિય કરી છે, પરંતુ મોટા ભાગના લોકો હજુ કોમર્શિયલ ફલાઇટ્‍સ પર આધાર રાખી રહ્યા છે. જો તમારા કોઈ પરિચિત આ વિસ્‍તારોમાં હોય, તો તેમને સત્તાવાર માર્ગદર્શન અનુસરવા અને વહેલી તકે સુરક્ષિત સ્‍થળે જવા સલાહ આપવી જરૂરી છે.

 

(2:11 PM IST)