News of Tuesday, 3rd March 2026
રવિવારની રજા પાછળનો રક્તરંજિત સંઘર્ષ: મજૂરો માટે સાત વર્ષ લડનારા નારાયણ લોખંડેના કારણે મળ્યો 'વીકેન્ડ'નો આનંદ
બ્રિટિશ શાસનમાં મિલોમાં સાતેય દિવસ કાળી મજૂરી કરતા કામદારોના હીરો બન્યા હતા મેઘાજી લોખંડે: 10 જૂન, 1890ના રોજ થયેલા એ ઐતિહાસિક નિર્ણયની આખી કહાની

રાજકોટ | તા. 03: આજે જ્યારે શનિવારની સાંજ પડે છે, ત્યારે દરેક ભારતીયના ચહેરા પર રવિવારની રજાનો હરખ જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રવિવાર જ કેમ? શા માટે સોમવાર કે મંગળવાર નહીં? આ રજા પાછળ કોઈ ધાર્મિક કારણ કરતા પણ મોટો એક સામાજિક સંઘર્ષ છુપાયેલો છે. ભારતમાં રવિવારની રજા મેળવવા માટે કામદારોએ સાત વર્ષ સુધી બ્રિટિશ હકુમત સામે લડત આપી હતી.
જ્યારે મજૂરો પાસે આરામનો અધિકાર નહોતો
બ્રિટિશ કાળ દરમિયાન, ખાસ કરીને મુંબઈની કાપડ મિલોમાં કામદારોની હાલત ગુલામો જેવી હતી. તેમને અઠવાડિયાના સાતેય દિવસ, દિવસ-રાત જોયા વગર મજૂરી કરવી પડતી હતી. જમવા માટે માંડ અડધો કલાક મળતો અને રજા જેવો કોઈ શબ્દ તેમના જીવનમાં નહોતો. આ અમાનવીય સ્થિતિ જોઈને શ્રમિકોના નેતા નારાયણ મેઘાજી લોખંડે મેદાનમાં આવ્યા.
લોખંડેની લડત: 'સાત દિવસ કામ તો પ્રાર્થના ક્યારે?'
લોખંડેએ અંગ્રેજ સરકાર સામે તર્ક રજૂ કર્યો કે, "બ્રિટિશરો રવિવારે ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે, તો ભારતીય કામદારોને પણ પોતાની આસ્થા અને સામાજિક કાર્યો માટે એક દિવસ મળવો જોઈએ." તેમણે દલીલ કરી કે છ દિવસ કામ કર્યા પછી સાતમો દિવસ ખરેખર સમાજ અને સ્વાસ્થ્ય માટે હોવો જોઈએ. બ્રિટિશ સરકારે શરૂઆતમાં આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો, પણ લોખંડેએ હાર ન માની.
7 વર્ષનો સંઘર્ષ અને 1890નો એ વિજય
સતત સાત વર્ષ સુધી મજૂર આંદોલનો અને અથાક પ્રયત્નો બાદ આખરે બ્રિટિશ હકુમતને ઝૂકવું પડ્યું. 10 જૂન, 1890 ના રોજ અંગ્રેજ સરકારે સત્તાવાર રીતે રવિવારને 'સાપ્તાહિક રજા' જાહેર કરી. આ સાથે જ કામદારોને બપોરે અડધો કલાક ભોજનની રજા અને દર મહિનાની 15 તારીખે પગાર આપવાની પ્રથા પણ શરૂ થઈ.
આજે આપણે જે રવિવારની રજાનો આનંદ લઈએ છીએ, તે વાસ્તવમાં નારાયણ મેઘાજી લોખંડે અને એ સમયના હજારો મજૂરોના ત્યાગ અને સંઘર્ષનું પરિણામ છે. રવિવાર એ માત્ર આળસ કરવાનો દિવસ નથી, પણ એક એવી જીતનો દિવસ છે જેણે સામાન્ય માણસને માનવીય ગૌરવ અપાવ્યું હતું.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
