News of Tuesday, 3rd March 2026
કરાચીમાં રક્તપાત: ઈરાન મુદ્દે ઉશ્કેરાયેલા ટોળા પર અમેરિકી મરીન્સનો સીધો ગોળીબાર, 10 પાકિસ્તાનીઓના મોતથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો તણાવ
ઈરાની નેતા ખામેનીના નિધન બાદ પાકિસ્તાનમાં ભભૂકી ઉઠી હિંસા: કરાચી સ્થિત અમેરિકી દૂતાવાસ પર હુમલો થતા સૈનિકોએ મોરચો સંભાળ્યો, અમેરિકાએ તમામ વિઝા એપોઇન્ટમેન્ટ્સ રદ કરી

કરાચી: પાકિસ્તાનનું આર્થિક પાટનગર ગણાતું કરાચી અત્યારે રણમેદાનમાં ફેરવાઈ ગયું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના મૃત્યુ બાદ ફાટી નીકળેલી હિંસાએ રવિવારે ત્યારે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું જ્યારે પ્રદર્શનકારીઓએ અમેરિકી મિશન (Consulate) પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન થયેલા ભારે ગોળીબારમાં 10 લોકોના મોત નિપજ્યા છે. સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, ભીડને કાબૂમાં લેવા માટે માત્ર પાકિસ્તાની પોલીસ જ નહીં, પરંતુ અમેરિકી મરીન્સ (US Marines) એ પણ સીધો ગોળીબાર કર્યો હતો.
દૂતાવાસ પર હુમલો અને મરીન્સનો વળતો પ્રહાર
રોઇટર્સના અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓ હથિયારો સાથે અમેરિકી કોન્સ્યુલેટ તરફ ધસી રહ્યા હતા અને તોડફોડ કરી રહ્યા હતા. સામાન્ય રીતે કોઈપણ દેશમાં અમેરિકી મરીન્સ દ્વારા સ્થાનિક નાગરિકો પર ગોળીબાર કરવાની ઘટના અત્યંત દુર્લભ અને ગંભીર માનવામાં આવે છે. બે અમેરિકી અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ મરીન્સને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ચારેબાજુ ધુમાડાના ગોટા, ટીયર ગેસ અને ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે.
પાકિસ્તાન પર અમેરિકાનો 'વિઝા ફટકો'
આ હિંસક ઘટના બાદ અમેરિકાએ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ઇસ્લામાબાદમાં આવેલી અમેરિકી એમ્બેસી સહિત લાહોર અને કરાચીના કોન્સ્યુલેટમાં તમામ નવી વિઝા એપોઇન્ટમેન્ટ્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. આ પગલાથી હજારો પાકિસ્તાનીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમેરિકાએ પોતાના રાજદ્વારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પાકિસ્તાની વહીવટીતંત્રની નિષ્ફળતા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
સમગ્ર પાકિસ્તાનમાં હિંસાનો દોર: 26ના મોત
માત્ર કરાચી જ નહીં, પરંતુ ગિલગિટ-બાલ્ટિસ્તાન અને સ્કાર્દુમાં પણ સ્થિતિ સ્ફોટક છે. પ્રદર્શનકારીઓએ સંયુક્ત રાષ્ટ્ર (UN) ની કચેરીઓ અને પોલીસ સ્ટેશનોને નિશાન બનાવ્યા છે. ગિલગિટમાં એક શાળાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં હિંસાને કારણે 26 થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં બુધવાર સુધી સખત કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
રાજદ્વારી સંબંધોમાં ખટાશ
પાકિસ્તાનમાં વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી શિયા વસ્તી હોવાને કારણે ઈરાનના મુદ્દે જનતાનો આક્રોશ ચરમસીમાએ છે. જોકે, અમેરિકી સૈનિકો દ્વારા પાકિસ્તાની નાગરિકો પર થયેલા ગોળીબારને કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં દાયકાઓ પછી સૌથી મોટી તિરાડ પડવાની શક્યતા જોવાઈ રહી છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
