News of Tuesday, 3rd March 2026
ગ્રહણના સૂતક પણ જ્યાં બેઅસર: મધ્યપ્રદેશના આ મંદિરોમાં ચંદ્રગ્રહણ છતાં ભક્તો માટે દરવાજા ખુલ્લા રહ્યા, તંત્ર સાધના અને અતૂટ આસ્થાનો અનોખો સંગમ
દતિયાની પીતામ્બર પીઠ અને ખંડવાના દાદાજી ધુનીવાલે મંદિરમાં પરંપરાથી હટીને લેવાયો નિર્ણય: ગ્રહણકાળમાં માતા બગલામુખીના દરબારમાં ગુંજ્યા મંત્રોચ્ચાર, જાણો શું છે તેની પાછળનું ધાર્મિક રહસ્ય

ખંડવા : સામાન્ય રીતે સૂર્ય કે ચંદ્રગ્રહણ દરમિયાન દેશભરના નાના-મોટા તમામ મંદિરોમાં સૂતક પાળવામાં આવે છે અને ભગવાનના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. પરંતુ મધ્યપ્રદેશના દતિયા અને ખંડવામાં આવેલી વિશ્વપ્રસિદ્ધ આસ્થાના કેન્દ્રોમાં આ વખતે કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. જ્યારે આખું વિશ્વ ગ્રહણના છાયામાં હતું, ત્યારે અહીં શ્રદ્ધાળુઓ માતાજી અને સંતોના આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા.
દતિયા પીતામ્બર પીઠ: ગ્રહણ એટલે સાધનાનો સુવર્ણ અવસર
દતિયા સ્થિત શ્રી પીતામ્બર પીઠમાં દાયકાઓ જૂની પરંપરા છે કે ગ્રહણ દરમિયાન મંદિરના દ્વાર બંધ કરવામાં આવતા નથી. તંત્ર શાસ્ત્ર મુજબ, દસ મહાવિદ્યાઓમાંની એક એવી માતા બગલામુખીના આ દરબારમાં ગ્રહણકાળને મંત્ર સિદ્ધિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે. શ્રી સ્વામીજી મહારાજના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ, ગ્રહણ શરૂ થતા જ અહીં અવિરત જાપ શરૂ થઈ જાય છે. દેશભરના સાધકો આ સમયે માતાજીના સાનિધ્યમાં રહીને ધ્યાન ધરે છે, કારણ કે માનવામાં આવે છે કે ગ્રહણ સમયે કરેલી પૂજા અનેકગણું વધુ ફળ આપે છે.
ખંડવા: દાદાજી ધુનીવાલેની સમાધિ પર ગ્રહની અસર નહીં!
આવી જ કંઈક સ્થિતિ ખંડવાના પ્રસિદ્ધ દાદાજી ધુનીવાલે મંદિરમાં પણ જોવા મળી. મંદિરના ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ, આ એક પવિત્ર સમાધિ સ્થળ છે અને અવધૂત સંતની સમાધિ કોઈપણ ગ્રહ કે નક્ષત્રના પ્રભાવથી મુક્ત હોય છે. અહીં દિવસ-રાત ભક્તો દર્શન કરી શકે છે. ચંદ્રગ્રહણ હોવા છતાં અહીં નિયમિત આરતી, પૂજા અને સેવા અવિરત ચાલુ રહી હતી, જે ભક્તો માટે આસ્થાનો વિષય બન્યો હતો.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
