News of Tuesday, 3rd March 2026
મિશન 'સલામત વતન': મધ્ય પૂર્વના રણમેદાનમાં ફસાયા 90 લાખ ભારતીયો : પીએમ મોદીએ સંભાળ્યો મોરચો
72 કલાકમાં 6 દેશોના રાષ્ટ્રીયાધ્યક્ષો સાથે પીએમ મોદીની સીધી વાત: ઈરાની મિસાઈલોના વરસાદ વચ્ચે ગલ્ફ દેશોમાં રહેતા બ્લુ-કોલર કામદારોની સુરક્ષા માટે ભારતની 'રેડ લાઈન' : ત્રણ ભારતીયોના મોત બાદ દિલ્હીથી ખાડી દેશો સુધી હલચલ તેજ

નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની સૌથી વધુ કિંમત ખાડી દેશોમાં પરસેવો પાડી રહેલા લાખો ભારતીયોએ ચૂકવવી પડી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જ્યારે આકાશમાંથી ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજાના દિવસે પણ 'વોર રૂમ' જેવી સક્રિયતા દાખવી છે. પીએમ મોદીએ છેલ્લા ત્રણ દિવસમાં સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, બહેરીન, ઓમાન અને કુવૈતના ટોચના નેતાઓ સાથે ટેલિફોનિક મંત્રણા કરી છે. તેમનો સંદેશ એકદમ સ્પષ્ટ અને કડક હતો: "મારા ભારતીયોને કંઈ ન થવું જોઈએ." યુએઈમાં થયેલા હુમલામાં ત્રણ ભારતીયોના કમનસીબ મોત બાદ ભારત સરકાર હવે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી.
આ કોઈ સામાન્ય પ્રોટોકોલ વાતચીત નથી, પરંતુ એક અત્યંત જટિલ બચાવ અભિયાનની પૂર્વતૈયારી છે. ખાડી દેશોમાં રહેતા ભારતીયોમાં માત્ર ઓફિસમાં કામ કરતા પ્રોફેશનલ્સ જ નથી, પરંતુ લાખો એવા મજૂરો છે જે બાંધકામ સ્થળો અને તેલની રિફાઇનરીઓ જેવા જોખમી વિસ્તારોમાં કામ કરે છે. પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના ક્રાઉન પ્રિન્સને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ દેશોની ધરતી પર રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા અને સુખાકારીની સંપૂર્ણ જવાબદારી ત્યાંની સરકારોની રહેશે. યુદ્ધના કારણે જો એરપોર્ટ બંધ થાય અને ફ્લાઈટ્સ રદ થાય, તો આટલા મોટા માનવ સમુદાયને બહાર કાઢવો એ વિશ્વની સૌથી મોટી માનવતાવાદી કવાયત બની શકે છે, જેના માટે ભારત અત્યારથી જ પાયો નાખી રહ્યું છે.
રાજદ્વારી નિષ્ણાતો માને છે કે પીએમ મોદીનો આ 'પર્સનલ ટચ' ભારતની વધતી વૈશ્વિક શક્તિનો પુરાવો છે. એક તરફ ભારત ઈરાની હુમલાની નિંદા કરીને ગલ્ફ દેશોની સાર્વભૌમત્વનું સમર્થન કરી રહ્યું છે, તો બીજી તરફ તે સુનિશ્ચિત કરી રહ્યું છે કે યુદ્ધની આગમાં કોઈ નિર્દોષ ભારતીયનું લોહી ન રેડાય. મધ્ય પૂર્વમાં ફેલાયેલી આ અરાજકતા વચ્ચે ભારતની નજર હવે 'ઓપરેશન અજય' કે 'ઓપરેશન કાવેરી' જેવી કોઈ મોટી ઈવેક્યુએશન (સ્થળાંતર) યોજના પર હોઈ શકે છે. ભારત માટે અત્યારે સૌથી મોટો પડકાર યુદ્ધગ્રસ્ત આકાશમાં સુરક્ષિત કોરિડોર બનાવીને પોતાના નાગરિકોને વતન પરત લાવવાનો છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
