<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ઈરાન સળગ્યું ને ઈસ્લામાબાદ ધ્રૂજ્યું: ખ્વાજા આસિફે વ્યક્ત કર્યો 'ભારત-ઈઝરાયેલ' ગઠબંધનનો ખૌફ

તેહરાનમાં મિસાઈલોના ધડાકા અને પાકિસ્તાનમાં ફફડાટ: "જો ભારત અને ઈઝરાયેલ એક થઈ જશે તો આપણું નામોનિશાન મટી જશે: પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ પરમાણુ બોમ્બના નામે ફેલાવ્યો ડર : ઈરાન પરના હુમલાને પાકિસ્તાન વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું

ઈસ્લામાબાદ:  તેહરાન પર ઝીંકાઈ રહેલા બોમ્બના અવાજે પાકિસ્તાનની સત્તાના ગલિયારાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક અત્યંત ચિંતાજનક નિવેદન આપતા કબૂલ્યું છે કે ઈરાનમાં જે વિનાશ થઈ રહ્યો છે, તેનો આગામી ટાર્ગેટ પાકિસ્તાન હોઈ શકે છે. તેમને ઈરાની નાગરિકોની કોઈ ચિંતા નથી, પરંતુ તેમનો અસલી ડર ભારત અને ઈઝરાયેલની અતૂટ મિત્રતા છે. આસિફે ચેતવણી આપી છે કે જો ભારત અને ઈઝરાયેલ સૈન્ય સ્તરે એક થઈ જશે, તો પાકિસ્તાન માટે પોતાની હસ્તી બચાવવી અશક્ય બની જશે. ગઈકાલ સુધી વ્હાઈટ હાઉસમાં બિરયાનીની લિજ્જત માણતા પાકિસ્તાની શાસકોને હવે નેતન્યાહૂ અને પીએમ મોદીના વધતા સંબંધો રાતના અંધારામાં ડરાવી રહ્યા છે.

ખ્વાજા આસિફના મતે, ઈરાન પરનો હુમલો એ માત્ર પશ્ચિમ એશિયાનો સંઘર્ષ નથી, પરંતુ ઈઝરાયેલનો પ્રભાવ પાકિસ્તાનની સરહદો સુધી પહોંચાડવાનું એક સુઆયોજિત કાવતરું છે. તેમણે ઝાયોનિઝમને માનવતા માટે ખતરો ગણાવતા કહ્યું કે, પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરવાની તૈયારી થઈ રહી છે. એક તરફ ભારત, બીજી તરફ અફઘાનિસ્તાન અને હવે ઈરાન પણ જો અસ્થિર થશે, તો પાકિસ્તાન એક 'નબળું અને ગુલામ રાજ્ય' બનીને રહી જશે. આ ભય પાછળનું મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાનને લાગે છે કે ભારત ઈઝરાયેલની ટેકનોલોજી અને હથિયારોની મદદથી પાકિસ્તાન વિરુદ્ધ કોઈ મોટું ઓપરેશન પાર પાડી શકે છે.

ચિંતાની ચરમસીમાએ પહોંચેલા આસિફે ફરી એકવાર પાકિસ્તાનના પરમાણુ બોમ્બનો રાગ આલાપ્યો છે. પોતાની નિષ્ફળતાઓ છુપાવવા તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાનોના પરમાણુ પરીક્ષણોના ગુણગાન ગાયા હતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે ૨૫ કરોડની વસ્તીવાળું આ રાષ્ટ્ર અત્યારે આર્થિક રીતે કંગાળ છે અને સૈન્ય રીતે ફાળ પડી રહ્યું છે. પીએમ મોદીની ઈઝરાયેલ મુલાકાત અને બંને દેશો વચ્ચે થયેલા સંરક્ષણ કરારોએ પાકિસ્તાની સેનાની ઊંઘ ઉડાવી દીધી છે. ઈસ્લામાબાદને હવે એવો ડર સતાવી રહ્યો છે કે જો તેહરાન જેવી હાલત તેમની થશે, તો તેમને બચાવવા માટે કોઈ 'મિત્ર' દેશ આગળ નહીં આવે.

(7:03 PM IST)