<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

"વાટાઘાટોનો સમય પૂરો થયો": ટ્રમ્પની કડક ચેતવણી વચ્ચે ઈરાનમાં લાશોના ઢગલા : ઈઝરાયેલનું લેબનોન પર આક્રમણ

ઈરાનમાં મૃત્યુઆંક 787 પર પહોંચ્યો: બેરૂત પર ઈઝરાયેલનો પ્રલયકારી હુમલો અને હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટરો તબાહ : આર્મી લેબનોનમાં ઘૂસી અને ટ્રમ્પનું નિવેદન, "ઈરાન હવે શાંતિ માંગે છે, પણ ઘણું મોડું થઈ ગયું છે"

વોશિંગ્ટન :  પશ્ચિમ એશિયામાં હવે શાંતિની આશા રાખવી એ વ્યર્થ સાબિત થઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીભર્યું નિવેદન આપીને સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે વાતચીતના ટેબલ પર આવવા માટે આતુર છે, પરંતુ ઈઝરાયેલ અને અમેરિકા હવે રોકવાના મૂડમાં નથી. ટ્રમ્પે કહ્યું, "જ્યારે તમારી પાસે તાકાત હતી ત્યારે તમે આતંક ફેલાવ્યો, હવે જ્યારે અમે વળતો પ્રહાર કર્યો છે ત્યારે તમે વાટાઘાટોની વાત કરો છો? હવે ઘણું મોડું થઈ ગયું છે." ઈરાની રેડ ક્રેસેન્ટના આંકડા મુજબ, ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં અત્યાર સુધીમાં 787 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે તેહરાન અને આસપાસના વિસ્તારોમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ છે.

દરમિયાન, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ યુદ્ધનો નવો મોરચો ખોલી દીધો છે. ઈઝરાયેલના ભૂમિ દળો એટલે કે ટેન્કો અને પાયદળ સૈનિકો હવે સત્તાવાર રીતે લેબનોનની સરહદ ઓળંગીને અંદર પ્રવેશી ચૂક્યા છે. બેરૂતમાં હિઝબુલ્લાહના સૌથી મજબૂત ગઢ ગણાતા કમાન્ડ સેન્ટરો પર ઈઝરાયેલની વાયુસેનાએ આગના ગોળા વરસાવ્યા છે. હિઝબુલ્લાહના સંચાર નેટવર્ક અને હથિયારોના ડેપોને નિશાન બનાવીને ઈઝરાયેલ તેને પાયમાલ કરી રહ્યું છે. લેબનોનના દક્ષિણી વિસ્તારોમાંથી હજારો લોકો જીવ બચાવવા પલાયન કરી રહ્યા છે, જ્યારે ઈઝરાયેલનું સૈન્ય 'શોધખોળ અને નષ્ટ' અભિયાન હેઠળ આગળ વધી રહ્યું છે.

આ ભીષણ સંઘર્ષની અસર માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી. ઈઝરાયેલના આ 'બેવડા હુમલા' એ સાબિત કરી દીધું છે કે તે એકસાથે ઈરાન અને હિઝબુલ્લાહ બંનેનો સફાયો કરવા માંગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા અને ચીન આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે, પરંતુ ટ્રમ્પના નિવેદન બાદ પશ્ચિમી દેશો ઈઝરાયેલના સમર્થનમાં વધુ મજબૂત રીતે ઉભા હોય તેમ જણાય છે. હવે આગામી થોડા કલાકોમાં જો ઈરાન કોઈ મોટો પલટવાર નહીં કરે, તો આખા મધ્ય પૂર્વના નકશામાં કાયમી ફેરફાર થઈ શકે છે.

(7:50 PM IST)