News of Tuesday, 3rd March 2026
વૈશ્વિક તેલ બજારમાં ‘બ્લેકઆઉટ’: ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા દુનિયા થંભી : ભારતની કસોટી
33 કિલોમીટરના દરિયાઈ માર્ગે વધારી ભારતની ચિંતા: પર્સિયન ગલ્ફમાં ટેન્કરોની કતારો અને ક્રૂડ ઓઈલ માટે હાહાકાર : હરદીપ સિંહ પુરીએ જાહેર કર્યો 'માસ્ટર પ્લાન': 25 દિવસનો બેકઅપ અને રશિયા-આફ્રિકા તરફ નજર

નવી દિલ્હી: મધ્ય પૂર્વનું યુદ્ધ હવે રણમેદાનમાંથી નિકળીને સમુદ્રની લાઈફલાઈન સુધી પહોંચી ગયું છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયેલને પાઠ ભણાવવા વિશ્વના સૌથી વ્યસ્ત તેલ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પર તાળાબંધી કરી દેતા વૈશ્વિક અર્થતંત્રમાં ભૂકંપ આવ્યો છે. ભારત માટે આ સ્થિતિ ગંભીર છે કારણ કે આપણી ૪૦% તેલ આયાત અને ૫૦% થી વધુ ગેસ પુરવઠો આ સાંકડા માર્ગ પર નિર્ભર છે. જોકે, ભારત સરકારે ગભરાટ ફેલાવવાને બદલે રણનીતિક શાંતિ જાળવી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ અધિકારીઓ સાથે હાઈ-લેવલ બેઠક યોજી ખાતરી આપી છે કે દેશ પાસે હાલમાં ૨૫ દિવસનો પુરવઠો સુરક્ષિત છે, જે કોઈપણ તાત્કાલિક કટોકટીને પહોંચી વળવા સક્ષમ છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાનો અર્થ છે કે કતાર, કુવૈત અને ઈરાક જેવા દેશોમાંથી આવતા તેલના જહાજો હવે અરબી સમુદ્ર સુધી પહોંચી શકશે નહીં. ભારત જે દેશો પાસેથી સૌથી વધુ LNG ખરીદે છે, તેમાં કતારનો હિસ્સો ૮૦% છે, જે સંપૂર્ણપણે આ જળમાર્ગ પર આધારિત છે. આ અવરોધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ આસમાને પહોંચવાની ભીતિ છે, જે ભારતમાં ફુગાવો વધારી શકે છે. ભારત સરકારે આ જોખમને પારખીને અત્યારથી જ રશિયા, આફ્રિકા અને અમેરિકા જેવા વૈકલ્પિક સપ્લાયર્સ સાથે વાતચીત તેજ કરી દીધી છે. જોકે, આ નવા માર્ગો પરથી તેલ લાવવાનો પરિવહન ખર્ચ ભારતની તિજોરી પર વધારાનો બોજ નાખશે.
રાહતની વાત એ છે કે, હાલમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની કોઈ તાત્કાલિક યોજના નથી. સરકાર ૨૪x૭ કંટ્રોલ રૂમ દ્વારા દરેક શિપમેન્ટ પર નજર રાખી રહી છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર હોવાને કારણે આપણી બાર્ગેનિંગ પાવર મજબૂત છે, અને રશિયા જેવા દેશો પાસેથી આવતો પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર નથી, જે ભારત માટે 'સંજીવની' સમાન સાબિત થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે જો આ કટોકટી બે અઠવાડિયાથી વધુ ચાલશે, તો ભારતે પોતાના 'સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ' (ભૂગર્ભ તેલ ભંડાર) ખોલવાની ફરજ પડી શકે છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
