<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

જંગના મેદાનમાં કલિયો કરમાઈ ગઈ: ઈરાનની સડકો પર એકસાથે નીકળ્યો ૧૬૫ માસૂમ વિદ્યાર્થિનીઓનો જનાજો, આખું વિશ્વ ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યું!

શાળા પર થયેલા મિસાઈલ હુમલાએ ઈરાનને લોહીલુહાણ કર્યું: અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હુમલાનો સૌથી કાળો અધ્યાય, હોર્મોજગાન પ્રાંતમાં માસૂમ બાળકીઓની અંતિમ વિદાય વખતે આભ પણ ફાટ્યું - જુઓ કંપારી છૂટી જાય તેવો વિડીયો

મિનાબ:ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ચોથો દિવસ છે, પરંતુ આ જંગનો સૌથી ક્રૂર અને દર્દનાક ચહેરો આજે દુનિયા સામે આવ્યો છે. ઈરાનના દક્ષિણી પ્રાંત હોર્મોજગાનના મિનાબ શહેરમાં ગત ૨૮ ફેબ્રુઆરીએ એક શાળા પર થયેલા ભયાનક હુમલામાં ૧૬૫ માસૂમ વિદ્યાર્થિનીઓના મોત થયા હતા. આજે જ્યારે આ ૧૬૫ બાળકીઓના જનાજા એકસાથે સડકો પર નીકળ્યા ત્યારે પથ્થર હૃદયના માણસની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા દરમિયાન મિનાબની આ શાળા મિસાઈલની લપેટમાં આવી ગઈ હતી. જે ઉંમરે આ બાળકીઓના હાથમાં પુસ્તકો અને રમકડાં હોવા જોઈએ, તે ઉંમરે તેમને સફેદ કફનમાં લપેટીને કબ્રસ્તાન લઈ જવામાં આવી રહી હતી. એકસાથે ૧૬૫ શબપેટીઓ જોઈને આખું શહેર શોકમાં ડૂબી ગયું હતું. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિશ્વભરમાં યુદ્ધના નામે નિર્દોષોના નરસંહાર સામે રોષ ફાટી નીકળ્યો છે.
આજે આ માસૂમ બાળકીઓ માટે વિશેષ જનાજાની નમાજ અદા કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં લોકો રડતી આંખે આ અંતિમ વિદાયમાં જોડાયા હતા. ઈરાની સરકારે આ હુમલાને 'માનવતા પરનું કલંક' ગણાવ્યું છે અને બદલો લેવાની જાહેરાત કરી છે. હુમલામાં બચી ગયેલી કેટલીક બાળકીઓ હજુ પણ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહી છે.
અત્યાર સુધીના ચાર દિવસના યુદ્ધમાં બંને તરફથી મિસાઈલોનો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ શાળા પરનો આ હુમલો આ યુદ્ધનો સૌથી શ્યામ અધ્યાય સાબિત થયો છે. ઈરાનના ઘણા શહેરોમાં હવે ન્યુક્લિયર રેડિયેશન એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે, જેના કારણે લાખો લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે.
આંતરરાષ્ટ્રીય સમુદાય અને માનવાધિકાર સંગઠનો આ ઘટનાની આકરી ટીકા કરી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું આ ટીકાઓથી તે ૧૬૫ પરિવારોને તેમનું વહાલસોયું સંતાન પાછું મળશે? યુદ્ધની રાજનીતિમાં હંમેશા માસૂમોએ જ ભોગ બનવું પડે છે, અને મિનાબની આ ઘટના તેનું જીવંત ઉદાહરણ છે

(8:34 PM IST)